અમદાવાદ શહેરમાં હાલમાં અનુભવાઈ રહેલી બેવડી ઋતુ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે રોગચાળો તીવ્ર ગતિએ વકર્યો છે. બદલાતા હવામાન અને નવરાત્રીના ઉત્સવ દરમિયાન વધેલા જનસંપર્કને કારણે વાયરલ ઇન્ફેક્શન તેમજ મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં માત્ર એક જ સપ્તાહ દરમિયાન 16,553 દર્દીઓની ઓપીડી (OPD) નોંધાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ઉછાળો
હોસ્પિટલમાંથી મળતી વિગતો મુજબ બેવડી ઋતુના કારણે તાવ, શરદી અને ઉધરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સપ્તાહ દરમિયાન ડેન્ગ્યુના 123 કેસ અને મેલેરિયાના 10 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ટાઈફોઇડના 2 અને સ્વાઇન ફ્લૂના 2 કેસ સામે આવ્યા છે. નવરાત્રીના તહેવાર દરમિયાન મોડી રાત સુધી જાગવા અને હવામાનના બદલાવના કારણે વાયરલ ઈન્ફેક્શનના પણ 50 થી વધુ દર્દીઓ નોંધાયા છે.

