અમદાવાદ શહેરના એસ.પી. રિંગરોડ પર ઓગણજથી ભાડજ જતી રોડ પર એક ગંભીર અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. બાપુનગરથી ગોધાવી તરફ જઈ રહેલી અર્ટિગા કાર (GJ 01 MT 0928) પૂરપાટ ઝડપે રસ્તા પરથી પસાર થઈ રહેલી ટ્રક (RJ 14 GT 4287) ની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે કારના કુરચે કુરચા બોલી ગયા હતા અને અકસ્માતને કારણે હાઇવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.

3 ગંભીર ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા

આ અકસ્માત સમયે કારમાં કુલ 6 લોકો સવાર હતા. ભીષણ ટક્કરને કારણે કારમાં સવાર અશોક ઢાંકરે નામના વ્યક્તિનું કમનસીબ સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. તાત્કાલિક ધોરણે તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

પ્રાથમિક તપાસ અને પૂરઝડપે વાહન ચલાવવાના કારણે સર્જાયેલી આ દુર્ઘટના બાબતે અર્ટિગા કારના ચાલક ભગીરથસિંહ ઝાલા વિરુદ્ધ એ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત કરનાર વાહનોને કબ્જે કરીને સમગ્ર મામલે કાયદેસરની સઘન કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા કડક અપીલ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો