અમદાવાદ શહેરમાં આવેલી જાણીતી ગુજરાત યુનિવર્સિટી પાસે આજે યુવા પેઢી (Gen Z) ના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એકઠા થઈને આ પ્રદર્શનમાં ઉમટી પડ્યા હતા. કેમ્પસમાં વધતા જતા અસુરક્ષાના વાતાવરણ અને મહિલા સુવિધા-સુરક્ષા સહિતના વિવિધ પડતર મુદ્દાઓને લઈને યુવાનોએ એકસૂરે અવાજ ઉઠાવ્યો હતો. વિદ્યાર્થીઓના આ અચાનક વિરોધ પ્રદર્શનને કારણે યુનિવર્સિટી રોડ પર ભારે અફરાતફરી અને વાહનવ્યવહારમાં અડચણ સર્જાઈ હતી.

વિદ્યાર્થીઓના તંત્ર સામે સીધો પ્રશ્નો

પ્રદર્શન દરમિયાન Gen Z વિદ્યાર્થીઓએ અત્યંત ગંભીર સવાલો ઉઠાવતા આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે તંત્ર સામે સીધો પ્રશ્ન કર્યો હતો કે, શિક્ષણના ધામ ગણાતી કોલેજો અને યુનિવર્સિટીઓમાં આજે વિદ્યાર્થીનીઓ કેમ સુરક્ષિત નથી? કેમ્પસમાં મહિલા સુરક્ષાના નામે માત્ર દાવા જ કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતામાં સુરક્ષા વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષાના કડક પગલાં લેવાવા જોઈએ જેથી દરેક વિદ્યાર્થીની નિર્ભયપણે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે.

Gen Z students' uproar in Ahmedabad

મહિલા સેફ્ટી અંગે ગંભીરતા દાખવવા માગ

વિરોધ કરી રહેલા યુવાનોએ ઉમેર્યું હતું કે મહિલા સુરક્ષાના મુદ્દે સરકારે અને શિક્ષણ વિભાગે અત્યંત ગંભીરતાથી વિચારવાની જરૂર છે. માત્ર કાગળ પરની નીતિઓ બનાવવાને બદલે યુનિવર્સિટી કેમ્પસમાં સીસીટીવી કેમેરા, સિક્યુરિટી ગાર્ડ્સ અને ઇમરજન્સી હેલ્પલાઇન જેવી સુવિધાઓને વધુ મજબૂત અને સક્રિય કરવી જોઈએ. જો યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આ વિરોધ પ્રદર્શનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો