અમદાવાદમાં ખાંડના ભાવને લઈને હવે મોટો સવાલ ઊભો થયો છે. હોલસેલ માર્કેટમાં ખાંડના ભાવમાં એક જ દિવસમાં રૂ.750 સુધીનો નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં તેનો લાભ સામાન્ય ગ્રાહકો સુધી પહોંચતો નથી. હોલસેલમાં ભાવ ઘટ્યા છે, પરંતુ રિટેલ બજારમાં ખાંડ હજુ પણ પ્રતિ કિલો રૂ.70થી 80ના ભાવે વેચાઈ રહી હોવાનું સામે આવ્યું છે.
પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલો
હોલસેલ અને રિટેલ ભાવ વચ્ચેનો આ મોટો તફાવત ગ્રાહકો માટે ચિંતાનો વિષય બન્યો છે. હોલસેલમાં ભાવ ઘટે તો તેનો લાભ સીધો રિટેલ માર્કેટમાં જોવા મળવો જોઈએ, પરંતુ હાલ સ્થિતિ વિપરીત જોવા મળી રહી છે. જેના કારણે પુરવઠા વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
ગુજરાતમાં વાર્ષિક અંદાજે 18 લાખ ટન ખાંડનો વપરાશ
ગુજરાતમાં વાર્ષિક અંદાજે 18 લાખ ટન ખાંડનો વપરાશ થાય છે. જેમાંથી આશરે 70 ટકા ખાંડનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં થાય છે, જ્યારે બાકીનો જથ્થો ઘરેલુ અને અન્ય વપરાશ માટે બજારમાં પહોંચે છે. આટલા મોટા વપરાશ ધરાવતા રાજ્યમાં ખાંડના ભાવમાં થતો ફેરફાર સીધો સામાન્ય નાગરિકોના ઘરેલુ બજેટને અસર કરે છે.
ખાંડના ભાવ પર સૌની નજર
હવે તહેવારો નજીક આવી રહ્યા હોવાથી ખાંડના ભાવ પર સૌની નજર છે. તહેવારો દરમિયાન મીઠાઈ અને અન્ય ખાદ્ય વસ્તુઓની માંગ વધતી હોવાથી ભાવમાં વધારો થવાની શક્યતા રહે છે. ત્યારે હોલસેલ ભાવમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચે તે જરૂરી બન્યું છે.
રિટેલ માર્કેટમાં ભાવ કેમ ઘટતા નથી?
આયાતી ખાંડ બજારમાં આવતાં ભાવમાં વધુ ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે સવાલ એ છે કે હોલસેલમાં ખાંડ સસ્તી થયા બાદ પણ રિટેલ માર્કેટમાં ભાવ કેમ ઘટતા નથી? લોકો દ્વારા સંગ્રહખોરી અને કૃત્રિમ ભાવવધારો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
સામાન્ય ગ્રાહકોને લાભ ક્યારે
તહેવારો પહેલાં સરકાર અને પુરવઠા વિભાગ ભાવ પર અસરકારક નિયંત્રણ લાવી શકે છે કે નહીં અને હોલસેલમાં થયેલા ઘટાડાનો લાભ સામાન્ય ગ્રાહકો સુધી પહોંચશે કે નહીં, તે હવે મહત્વનો મુદ્દો બન્યો છે.
આ પણ વાંચો : Surat નજીક વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ