અમદાવાદ શહેરની અગ્રણી એવી એસ.વી.પી. (SVP) હોસ્પિટલમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. કેન્દ્ર સરકારની પ્રખ્યાત આયુષ્માન ભારત - PMJAY (પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની નિઃશુલ્ક સારવાર માટે ફાળવવામાં આવતા સર્જીકલ સાધનોની કાળી બજારી થતી હોવાનો પર્દાફાશ થયો છે. હોસ્પિટલમાંથી અંદાજે રૂ.39.78 લાખની માતબર કિંમતના સર્જીકલ સાધનો બારોબાર વેચી દેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થતા સમગ્ર આરોગ્ય ક્ષેત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ઓળખ કાર્ડનો દુરુપયોગ અને તબીબોની સંડોવણીની આશંકા
આ સમગ્ર કૌભાંડ હોસ્પિટલના ઉપરી અધિકારીઓની જાણ બહાર ખૂબ જ ચતુરાઈપૂર્વક આચરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કેસમાં આશરે 8 જેટલા તબીબો શંકાના દાયરામાં આવ્યા છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ઓળખ કાર્ડનો દુરુપયોગ કરીને મોટા પ્રમાણમાં સાધનો મેળવવામાં આવ્યા હતા. એક તબીબ દ્વારા તો રૂટીન પ્રક્રિયા વિરુદ્ધ જઈને 90 જેટલા સર્જીકલ ડ્રેપ ઇશ્યૂ કર્યા હોવાની પણ કબૂલાત કરવામાં આવી છે.
