અમદાવાદ શહેરના ઠક્કરનગર વિસ્તારમાં વિદેશી દારૂ બનાવવાની અને પેકિંગ કરવાની ગેરકાયદેસર મીની ફેક્ટરી પર પોલીસે દરોડો પાડીને મોટો પર્દાફાશ કર્યો છે. ઝોન-5 LCB અને કૃષ્ણનગર પોલીસની સંયુક્ત ટીમે બાતમીના આધારે ઠક્કરનગરમાં હરિઓમ સાયકલ સામેની એક ગલીમાં આવેલા મકાનના બીજા માળે ભાડે રાખેલા મકાનમાં દરોડો પાડ્યો હતો. આ સ્થળે બુટલેગરો મોંઘી દાટ બ્રાન્ડની દારૂની ખાલી બોટલોમાં સસ્તા દરનો દારૂ ભરીને ગ્રાહકોને ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ચલાવી રહ્યા હતા.

મુદ્દામાલ અને દારૂનું પેકિંગ મટીરીયલ જપ્ત

પોલીસે પાડેલા દરોડા દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો, વિવિધ મોંઘી બ્રાન્ડના ડુપ્લીકેટ સ્ટીકરો તેમજ બોટલો પર લગાવવાના ઢાંકણા સહિત કુલ રૂ.1,40,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બુટલેગરો છેલ્લા બે મહિનાથી આ ભાડાના મકાનમાં ગેરકાયદેસર રીતે દારૂની મીની ફેક્ટરી ધમધમાવી રહ્યા હતા અને લોકો સાથે છેતરપિંડી કરીને બનાવટી દારૂ વેચી રહ્યા હતા.

Mini liquor factory busted in Ahmedabad

બે વોન્ટેડ આરોપીઓની શોધખોળ

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મુખ્ય બુટલેગર હેમલ ઉર્ફે હેમુ વાઘેલાની ધરપકડ કરી છે. આ ગુનામાં સંકળાયેલા અન્ય બે આરોપીઓ પોલીસને જોઈને ફરાર થઈ ગયા હોય, પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે. કૃષ્ણનગર પોલીસે આ મામલે ગુનો નોંધીને પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો