અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને ટ્રક ચાલક વચ્ચેનો એક વિવાદાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. 'નો એન્ટ્રી' ઝોનમાં એક ટ્રક ચાલકે પોતાનું વાહન હંકારી મૂકતાં ત્યાં ફરજ પર તૈનાત ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ડ્રાઈવરે ટ્રક ઊભી રાખવાને બદલે તેને ઝડપથી ભગાવી મૂકી હતી. આથી ઉશ્કેરાયેલા પોલીસ કોન્સ્ટેબલે હાથમાં ઈંટ/પથ્થર લઈને ટ્રક પર છૂટો ઘા કરીને પથ્થરમારો કર્યો હતો. પોલીસના આ પ્રકારના આક્રમક વર્તનથી રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં ક્ષણભર માટે ભયનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિકોનો રોષ અને અકસ્માતનો ભય
પોલીસના આ બેજવાબદાર પથ્થરમારાને કારણે સ્થળ પર હાજર સ્થાનિક લોકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે જો પોલીસે ફેંકેલો પથ્થર આરપાર નીકળી ગયો હોત અથવા નિશાનો ચૂકી ગયો હોત, તો રસ્તા પરથી પસાર થઈ રહેલા કોઈપણ નિર્દોષ ટુ-વ્હીલર ચાલક કે રાહદારીને ગંભીર ઈજા પહોંચી શકી હોત. ચર્ચા મુજબ, આ કડક અને વિવાદાસ્પદ પગલું ભરનાર કર્મચારી 'આઈ ડિવિઝન' ટ્રાફિક પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

