AMCના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ અને એન્જિનિયરિંગ વિભાગમાં ચાલતી લાલિયાવાડી અને આ વિભાગોના અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવને કારણે શાહપુર વોર્ડમાં આવેલા લાલા કાકા કોમ્યુનિટી હોલમાં POPની છત અને સીલિંગ પંખો તૂટી પડવાની ઘટનાને બે મહિના વીતવા છતાં હજુ સુધી રિપેરિંગ કરવામાં આવ્યું ન હોવાને પગલે વિવાદ સર્જાયો છે.
ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત માટે લાલાકાકા સેન્ટ્ર્લી AC હોલમાં પહેલા માળે પોલીસને રહેવા માટે જગ્યા આપવામાં આવી હતી ત્યારે POPની છત અને પંખો તૂટી પડવાની ઘટના સર્જાઈ હતી. ગત જુલાઈ મહિનામાં હોલના પ્રથમ માળ પર આવેલા સેન્ટ્રલી AC હોલમાં POPનો છતનો ભાગ તૂટી પડવાના કારણે પ્રથમ માળને બંધ કરી દેવામાં આવ્યો છે. આમ, AMCના નઘરોળ તંત્ર અને અધિકારીઓની બેદરકારીને કારણે બે મહિનાથી લાલા કાકા હોલનો પ્રથમ બંધ હાલતમાં છે તેમજ સારા- નરસા પ્રસંગો માટે લાલા કાકા હોલ ભાડે મળતો ન હોવાના કારણે શાહપુર, દૂધેશ્વર અને આસપાસના વિસ્તારોના રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લાં બે મહિનાથી લાલા કાકા હોલના સેન્ટ્રલી AC હોલના પ્રથમ માળ પર ભાગ તૂટેલી હાલતમાં યથાવત જોવા મળ્યો હતો. જ્યાં સ્ટેજ બનાવવાની જગ્યા છે એ જ જગ્યા ઉપર છતનો ભાગ તૂટી પડવાની ઘટના બની છે. હોલની અંદર અને બહારના ભાગે લાગેલા CCTV કેમેરા પણ બંધ હાલતમાં અને ફયરના સાધનો પણ ચાલતા નથી તેમજ ધૂળ ખાતાં હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા રજુઆતો કરવા છતાં AMCના એસ્ટેટ અને ઈજનેર વિભાગોના અધિકારીઓ સાંભળતા નથી અને કોઈ પગલાં લેતા ન હોવાનું રહીશોનું કહેવું છે.










