રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યના 8 જિલ્લામાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી ઓછું નોંધાતા લોકો ધ્રૂજી ઊઠયા હતા. અમદાવાદમાં બે દિવસમાં લઘુતમ તાપમાનનો પારો અઢી ડિગ્રી જેટલો ગગડતાં ઠંડીનું જોર વધ્યું છે. આજે અમદાવાદમાં લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29.4 ડિગ્રી નોંધાયું હતું.
આમ દિવસ અને રાતનું તાપમાન સામાન્ય કરતાં 3.2 ડિગ્રી જેટલું નીચું રહેતા ગાત્રો થીજવતી ઠંડીનો વહેલો પ્રારંભ થાય એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. હવામાન ખાતા દ્વારા જારી કરેલી વિગતો મુજબ, આજે કચ્છનું નલિયા 10.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર રહ્યું હતું. એ સિવાય અમદાવાદમાં 13.5 ડિગ્રી, ડીસામાં 13.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, વડોદરામાં 12.6 ડિગ્રી, વિ.વિ.નગરમાં 14.6 ડિગ્રી, ભુજમાં 14.3 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 11.7 ડિગ્રી, અમરેલીમાં 11.6 ડિગ્રી, પોરબંદરમાં 13.1 ડિગ્રી, રાજકોટમાં 12.1 ડિગ્રી, મહુવામાં 14.5 અને કેશોદમાં લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયુ હતું. અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો ગગડતા વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને ધ્રૂજાવતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે.










