ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)માં બોર્ડ ઓફ ગવર્નન્સ (BOG)ની મુદત તા. 13 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઈ ચુકી છે, પરંતુ હજુ સુધી નવા બોર્ડ માટેની તૈયારીઓ થઈ હોવાનું જણાતું નથી. આથી હવે દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ નવું બોર્ડ બનશે એવુ જાણવા મળ્યું છે.
મહત્ત્વની વાત એ છે કે, રાજ્ય સરકારનું મંત્રી મંડળ બદલાતા હવે બોર્ડમાં સામેલ થવા માટે નવા લોબિંગ પણ શરૂ થઈ જશે. શિક્ષણના પ્રશ્નોની સમજ ધરાવતા હોય તેવા સભ્યોની નિમણૂક માટેની માગણી પુરી થશે કે મળતિયાઓને ગોઠવાશે એવી ચર્ચાએ જોર પકડયું છે.યુનિવર્સિટીના બીઓજીમાં કુલ 14 સભ્યો છે જે પૈકી કુલપતિ, રજિસ્ટ્રાર અને સરકારમાં જુદા જુદા હોદ્દાઓની રૂએ નિમણૂક થતી હોય તે સિવાય સરકાર દ્વારા અંદાજે 7 સભ્યોની સીધી નિયુક્તિ કરવામાં આવે છે. છેલ્લા કેટલાય સમયથી બોર્ડમાં ખરેખર અસરકારક કામગીરી કરી શકે તેવા શિક્ષણ જગત સાથે સંકળાયેલા સભ્યોની નિયુક્તિ કરવાના બદલે ઉદ્યોગપતિઓ સહિત અન્ય સભ્યોની નિમણૂક કરી દેવામાં આવતી હોય છે. ભૂતકાળમાં બીઓજીમાં શિક્ષણ સાથે જોડાયેલા હોય અને નાનામાં નાના પ્રશ્નોની જાણકારી ધરાવતાં હોય તેવા સભ્યોની બીઓજીમાં નિમણૂક થવી જોઈએ તેવી માગણી પણ ઊઠી હતી.










