વટવામાં ઓઈલનો ધંધો કરતા વેપારીની દુકાને રિક્ષામાં બેસીને ત્રણ શખ્સો આવ્યા હતા. અને મારા મિત્રના ક્રિકેટ મેચના રૂપિયા કેમ નથી આપતો કહીને ત્રણમાંથી એક શખ્સે વેપારીની ઓઈલની દુકાનમાં આગ ચાંપીને રિક્ષામાં આવેલા ત્રણેય શખ્સો ફ્રાર થઇ ગયા હતા. આ અંગે વેપારીએ બે શખ્સો સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.


વટવામાં રહેતા 30 વર્ષીય અલ્તાફ્ મેમણ રિક્ષા ચલાવે છે. અને વટવા ખાતે આવેલી પિતાની ઓઈલની દુકાને પણ ધંધો કરે છે. મંગળવારે યુવક પિતાની દુકાને બેઠો હતો. ત્યારે વટવા ચાર માળીયામાં રહેતો રાજા ઉર્ફે કાળીયો તથા અક્રમ અને એક અજાણ્યો શખ્સ રિક્ષામાં બેસીને યુવક અલ્તાફ્ મેમણની ઓઈલની દુકાને આવ્યા અને આરોપી રાજા ઉર્ફે કાળીયાએ વેપારીને કહ્યું કે શાહઆલમ ખાતે રહેતો મારો મિત્ર ઈબ્રાહીમના ક્રિકેટ મેચના રૂપિયા કેમ આપતો નથી કહીને ત્રણેય આરોપીઓ યુવક સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. અને આરોપી રાજા ઉર્ફે કાળીયા તેની દુકાનમાં રહેલા તમામ ઓઈલના ડબ્બા નીચે પાડી દીધા અને માચીસ કાઢીને આગ ચાંપતા જોતજોતા આગરે વિકરાળ સ્વરૂપ લઇ લેતા ત્રણેય આરોપીઓ રિક્ષા લઈને નાસી છુટયા હતા. આસપાસના લોકો દોડી આવ્યા અને દુકાનમાં લાગેલી આગ પર પાણીનો મારો ચાલવતા આગ બૂઝાવી હતી. આ અંગે યુવકે બે શખ્સો સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.


  • Follow us on: