તબીબ હોય કે એન્જિનિયરિંગ કર્યુ હોય તો પણ યુવાનોને સરકારી નોકરી મેળવવાનો ચસ્કો લાગ્યો છે જેના કારણે મહાઠગો આ યુવકોનો ફાયદો ઉઠાવીને લાખો - કરોડો રૂપિયા ખંખેરી લેતા હોય છે.
અગાઉ પણ અનેક વખત આવા કિસ્સાઓમાં પોલીસ ફરિયાદો નોંધાઇ છે. ત્યારે રામોલમાં એક ગઠીયાએ ગાંધીનગર સચિવાલયના આરોગ્ય વિભાગમાં કલાસ 1 અધિકારી સાથે આપણે સંબંધ છે, અને તેઓની ગાડીમાં હું ડ્રાઇવર તરીકે નોકરી કરુ છું. તેમજ અમારા સાહેબ દસ લાખમાં સરકારી નોકરી અપાવવાનું કામકાજ કરે છે, તેમ કહેતા વેપારીએ ભત્રીજાની નોકરી લગાવવા માટે હા પાડીને પેમેન્ટ આપ્યુ હતુ. ગઠિયા સહિત 3 શખ્સોએ બનાવટી કોલ લેટર બનાવીને એક નહીં પરંતુ પાંચ પિડીતોને પાસેથી કુલ 1.07 લાખ રૂપિયા પડાવ્યાનું સામે આવ્યુ છે. આ અંગે પાંચેય પીડિતોએ રામોલ પોલીસ સ્ટેશનમાં ત્રણેય ગઠિયાઓ વિરૂદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વિરાટનગર ચાર રસ્તા પાસે માધવ રેસિડેન્સિમાં મનોજભાઇ અમૃતિયા પરિવારજનો સાથે રહીને ઓઢવ ખાતે ટાયર બનાવવાનો મોલ્ડનો બિઝનેસ કરે છે. તેમની ફેકટરીમાં ટાયરને લગતા પાર્ટસનો જોબવર્ક મહેશ બારોટ કરાવતો હતો. જેના પગલે મહેશે એક દિવસ મનોજભાઇને કહ્યુ કે, આપણી પાસે એક સાહેબ છે. જેઓ ગાંધીનગર સચિવાલયમાં આરોગ્ય વિભાગમાં કલાસ 1 ઓફિસર તરીકે નોકરી કરે છે અને તેમની ગાડીમાં હું ડ્રાઈવર તરીકે નોકરી કરૂ છું. તેમજ અમારા સાહેબ 10 લાખમાં સરકારી નોકરી અપાવવાનું કામ કરે છે. જે બાદ મનોજભાઇને તેમના સાઢુના પુત્ર પ્રિન્સને નોકરીની જરૂરિયાત હોવાથી તેની માટે નોકરી માટે મિટિંગ કરાવી હતી. આ દરમ્યાન મહેશ, તેના મળતિયા સાજીદઅલી, સંતોષ ત્રણેય શખ્સોએ પ્રિન્સ, તેના પિતા કિરણભાઇ અને મનોજભાઇને કહ્યુ કે, નોકરીનો કોલ લેટર પોસ્ટમાં ઘરે આવશે ત્યારે અડધુ પેમેન્ટ કરવાનું રહેશે. આ બાદ ઓરિજનલ ડોક્યુમેન્ટ જમા કરાવવા ગાંધીનગર બોલાવશે ત્યારે બાકીનું પેમેન્ટ કરવાનું રહેશે. આ બાદ પ્રિન્સે હા પાડતા થોડા દિવસોમાં ગઠિયોએ નકલી નિમણૂંક લેટર બનાવીને પોસ્ટ કર્યો હતો. આવી જ રીતે, 3 ગઠિયાઓએ પાંચથી વધુ યુવકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. યુવકોને નિમણૂંક પત્ર મળ્યા બાદ લાંબાસમય સુધી નોકરીમાં હાજર થવા અંગે ત્રણેય ગઠિયાઓ ગલ્લા તલ્લા કરતા હોવાથી તેમણે શંકા થઇ હતી. આ બાદ યુવકોએ તપાસ કરતા નિમણૂંક લેટર બનાવટી હોવાનો સામે આવ્યો હતો. આ અંગે મનોજભાઇએ રામોલ પોલીસ સ્ટેશનમાં સાજિદઅલી ખોખર, મહેશ બારોટ અને સંતોષ પ્રસાદ વિરૂદ્ધમાં 1.07 કરોડ રૂપિયાની ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી.