ગાંધીનગરમાં આજે વિધાનસભાના પ્રથમ સત્ર દરમિયાન જ ટ્રાફિક પોલીસ દ્વારા શહેર અને જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી.
જેમાં સમગ્ર દિવસ દરમિયાન 208 જેટલા વાહન ચાલકો સામે દંડનાત્મક કાર્યવાહી હાથધરીને 1.03 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. દરમિયાન જ્યાંથી કાયદો અને વ્યવસ્થા જાળવવાના ઓર્ડરો છુટે છે તેવા સચિવાલય સંકુલમાં જ આજરોજ નંબર પ્લેટ વગરની અને બ્લેક ફિલ્મ ધરાવતી ગાડીઓનો જમાવડો જોવા મળ્યો હતો. જેના કારણે સચિવાલયના ગેટ પર થતા ચેકિંગની પોલ ખુલી ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજ્યના પોલીસ વડા દ્વારા સમગ્ર રાજ્યમાં ગાડીઓમાં બ્લેક ફિલ્મ સહિત ટ્રાફિકનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો. આજરોજ ગાંધીનગર વિધાનસભા ખાતે ચોમાસુ સત્રનો પ્રારંભ થયો હતો. જે સત્ર દરમિયાન ટ્રાફિક પોલીસે સચિવાલય, જૂના સચિવાલય ઉપરાંત પોલીસ ભવન અને કર્મયોગી ભવન સહિતના વિસ્તારો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કર્યુ હતું. આ આયોજન દરમિયાન પોલીસે 208 વાહન ચાલકો સામે દંડનાત્મક કાર્યવાહી હાથધરી હતી. જેમાં બ્લેક ફિલ્મ ધરાવતી 60 ગાડી, હેલમેટના 78 કેસ તથા સિલ્ટ બેલ્ટ વગર વાહન ચલાવતા 44 જેટલા વાહન ચાલકો ઝપટે ચડી ગયા હતા. આ વાહન ચાલકો પાસેથી ટ્રાફિક પોલીસે 1.03 લાખનો દંડ વસૂલ કર્યો હતો.