અમદાવાદ શહેરની ફરતે આવેલા સરદાર પટેલ રિંગ રોડ પર રણાસણ ગામથી લઇને નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ, રામોલ, હાથીજણ, અસલાલી ચાર રસ્તાઓ પર ટ્રાફિકજામની સમસ્યા વકરી છે. આ રોડ પર નિકોલ, વસ્ત્રાલ, રામોલ, હાથીજણ, પિરાણા પાસે ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે રોડ સાંકળા બની જતા ટ્રાફિકની સ્થિતિ ગંભીર બની ગઇ છે.


રિંગરોડના આ સમગ્ર પટ્ટામાં તૂટેલા રોડ, ડાયવર્ઝન, બ્રિજની કામગીરી, દબાણો, ગેરકાયદે પાર્કિંગના કારણે ચક્કાજામ આખો દિવસ રહે છે. ઓઢવ બ્રિજની નીચે તો અડધો કલાક સુધી વાહનો અટવાયેલા રહે છે. રામોલ ટોલનાકા પાસે બ્રિજની કામગીરીને લઇને રોડ અતિ સાંકડો બનતા તેમજ રોડ તૂટેલી અવસ્થામાં હોવાથી વાહન વ્યવહારની અવર-જવર ભારે અવરોધાઇ રહી છે.હાથીજણ સર્કલ પાસે પણ બ્રિજ બની રહ્યો છે. મહેમદાવાદથી આવતો ટ્રાફિક, જશોદાનગર, અસલાલી અને રામોલ તરફથી આવતા વાહનોને લઇને આ સર્કલ સૌથી વધુ ટ્રાફિકજામમાં અટવાયેલું રહે છે. હાથીજણથી જશોદાનગર જતા વટવા જીઆઇટીસીના બે ફાંટા પડે છે ત્યાં વાહનોની લાંબી લાઇનો લાગી જતી હોય છે. જેના કારણે જીઆઇડીસીમાં પણ ચક્કાજામ રહે છે. સરદાર પટેલ રિંગ રોડ પર ચાર રસ્તાઓ પર બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી આ રોડ પર અમુક અંતરે ડિવાઇડર તોડીને ગેરકાયદે રસ્તાઓ બનાવી દેવાયા છે. જેના કારણે આડેધડ વાહનો વળાંક લેતા હોવાથી ટ્રાફિકની સ્થિતિ વધુ વણસી છે. મોટી ટ્રકોની સતત અવર-જવર રહેતી હોવાથી એક-બે કિ.મી. સુધી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે.


  • Follow us on: