નારોલમાં વેપારીએ પાનપાર્લરવાળાને રૂ. 6 હજારનો માલસામાન ઉધાર આપ્યો હતો.
જ્યારે બે મહિના બાદ વેપારી માલસામાનના રૂપિયા લેવા જતા બે શખ્સોએ લોખંડના સળિયાથી ફ્ટકારીને લોહિલુહાણ કર્યો હતો. આ અંગે વેપારીએ બંને શખ્સો સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
નારોલમાં રહેતા 52 વર્ષીય વિજેન્દ્ર ભદોરિયા પાન મસાલાનો હોલસેલ ધંધો કરે છે. બે મહિના અગાઉ નારોલ મોતીપુરા પાસે ચામડીયા ફેક્ટરીની બાજુમાં આવેલા પાન પાર્લર પર તેમને રૂ.6 હજારનો માલ સામાન ઉધાર આપ્યો હતો. પરંતુ પાન પાર્લરવાળાએ બે મહિના બાદ પણ રૂપિયા આપ્યા ન હતા. ઘણી વખત રૂપિયા લેવા ફોન કર્યા હતા પરંતુ બંધ આવતો હતો. તેમજ પાર્લરવાળાએ દુકાને આવાનું બંધ કરી દીધુ હતુ. આ દરમ્યાન ગત 26 ઓક્ટોમ્બરે વેપારી ભંગારની દુકાનમાં પાન પાર્લરના માલિક પ્રમોદને જોઇ જતા તેની પાસે ગયા હતા. બાદમાં બે મહિના અગાઉ રૂ.6 હજારનો માલ ઉધાર પર લીધો હતો તેના રૂપિયાની માંગણી કરતા પ્રમોદે તેના મિત્ર મનજીત બધેલને ફોન કરીને બોલાવ્યો અને બંને ભેગા મળીને વિજેન્દ્ર સાથે ઝઘડો કરીને માર માર્યો હતો.
આટલું જ નહિ બંનેએ વેપારીને લોખંડનો સળીયાથી ફ્ટકારીને લોહિલુહાણ કરી નાખ્યા હતા. બુમાબુમ થતા આસપાસના લોકો ભેગા થતા બંને નાસી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત વિજેન્દ્રભાઇને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.