સીટીએમ એક્સપ્રેસ હાઇવે પાસે પેસેન્જર ભરવા બાબતે ફરી એકવાર બે શખ્સોએ એક કારમાં દંડાથી તોડફેડ કરીને યુવકને મારી નાખવાની ધમકી આપી છે. જેમાં વડોદરા અમિતનગર પાસે બંને વચ્ચે પેસેન્જર ભરવા બાબતે ઝઘડો થયો હતો તેનો બદલો સીટીએમ પાસે લેવામાં આવ્યો છે. આ અંગે રામોલ પોલીસે બે શખ્સો સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરામાં રહેતા સુનિલ ડાંગી ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તે અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પર પેસેન્જરોના ફેરા મારે છે. ગત 12 જુલાઇએ તે વડોદરા હતા તે સમયે મામાના પુત્ર અંકિત આમલીયાનો ફોન આવ્યો હતો અને જણાવ્યુ કે તે અમિતનગર ખાતે અમદાવાદના પેસેન્જર ભરતો હતો ત્યારે હિતેષ ભરવાડની ગાડીનો ડ્રાઇવર અત્તરસિંહ પાલ સાથે પેસેન્જરો ભરવા બાબતો ઝઘડો થયો હતો. જે બાદ તે અમદાવાદ આવ્યો હતો અને સીટીએમ એક્સપ્રેસ હાઇવે પર પેસેન્જર ભરતા હતા. ત્યારે હિતેષ ભરવાડ અને અત્તરસિંહ બંને હાથમાં દંડો લઇને અંકિત પાસે આવ્યા હતા. બાદમાં બંનેએ અંકિતને અમદાવાદથી પેસેન્જર ભરવા નહિ દઉ કહીને બિભત્સ ગાળો બોલીને અર્ટિગા કારમાં તોડફેડ કરીને હવે બોલાચાલી કે ઝઘડો કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યાહતા. જે બાદ સુનિલ તેના મિત્રો સાથે આવીને હિતેષની કારના કાચ તોડીને જતા રહ્યા હતા. આ અંગે સુનિલ ડાંગીએ રામોલ પોલીસ સ્ટેશનમાં હિતેષ અને અત્તરસિંગ સામે ફરિયાદ નોધાવી છે. અગાઉ હિતેષ અંકિત સહિતના શખ્સો સામે ફરિયાદ નોધાવી હતી. રામોલ પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.










