મણિનગરમાં રહેતી અને ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીએ ટ્રાફિકના પેન્ડીંગ મેમો ભરવા ભાઈના મિત્રને ગાડીના ઓરીજનલ કાગળીયા આપ્યા હતા. પરંતુ બે ગઠિયાઓએ યુવતીની ખોટી સહીઓ કરીને ગાડી પર રૂ. 6 લાખની લોન લઇ લીધી અને ગાડી પણ પોતાના નામે ટ્રાન્સફર કરાવીને ઠગાઈ આચરી છે. આ અંગે યુવતીએ બંને ગઠિયા સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.


મણિનગરમાં રહેતી 33 વર્ષીય એકતાબેન મહેતા વસ્ત્ર્રાલમાં ફેબ્રિકેશનનો ધંધો કરે છે. તેમને વર્ષ 2019માં લોનથી કાર ખરીદી હતી. વર્ષ 2024માં એકતાબેને ગાડીના લોનના તમામ હપ્તા ભરપાઈ કરી દઈને બેંકમાં NOC સર્ટિફિકેટ પણ મેળવી લીધું હતું. ત્યારબાદ RTOમાંથી RC બૂકમાંથી બેંકનો બોજો હટાવવા માટેની પ્રોસેસ માટે એજન્ટને કામ સોંપ્યું હતું. પરંતુ ટ્રાફ્કિના ઘણાં જુના દંડ પેન્ડીંગ બોલતા હોવાથી ગાડી પરથી બેંકનો બોજો હટતો ન હતો. તેથી યુવતીએ તેના ભાઈને વાત કરતા યુવકના મિત્ર પ્રતિક ઝીણીયાએ ગાડીના તમામ ઓરીજનલ કાગળીયા આરસી બૂક સહીતના ડોક્યુમેન્ટ લઈને મેમો ભરી આપ્યા હતા. બાદમાં ઘણા દિવસો સુધી યુવતીને તેની ગાડીના કાગળીયા આપવામાં પ્રતીક ગલ્લા તલ્લા કરતો હતો. તેથી યુવતીએ આ અંગે મણીનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરતા હકીકત જાણવા મળી કે આરોપી પ્રતીકે તેના ફોઈના દીકરા ઈશ્વર ગોહિલ સાથે મળીને યુવતીની કારના કાગળીયાનો દુર ઉપયોગ કરીને પોતાના નામે ગાડી કરાવી હતી. તદુપરાંત બંને શખ્સોએ ગાડી ઉપર ખાનગી બેંકમાંથી રૂપિયા 6 લાખની લોન લઈને તમામ રૂપિયા અંગત કામમાં વાપરી નાંખ્યા હોવાનું પણ સામે આવ્યુ હતુ. આ અંગે એકતાબેને બંને શખ્સો સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે પ્રતીકની ધરપકડ કરીને ફરાર ઈશ્વર ગોહિલની શોધખોળ હાથધરી છે.


  • Follow us on: