અમદાવાદના વેજલપુર વિસ્તારમાં બુટ ભવાની બ્રિજની કામગીરીની ધીમી ગતિને કારણે સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. નવેમ્બર 2024ની સમયમર્યાદા ધરાવતા આ બ્રિજનું કામ હજુ પણ પૂર્ણ થયું નથી. કામગીરી શરૂ થયા બાદ મહાનગરપાલિકાને યુટિલિટી લાઇન બદલવાની કામગીરી યાદ આવતાં પ્રોજેક્ટમાં વિલંબ થયો હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
નવેમ્બર 2024ની ડેડલાઇન છતાં કામ અધૂરું
બ્રિજની કામગીરી નવેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવાની હતી, પરંતુ સમયમર્યાદા વીતી ગયા બાદ પણ કામ ચાલુ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ કામગીરીને 4થી 5 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. લાંબા સમયથી ચાલી રહેલા બાંધકામને કારણે આસપાસના વિસ્તારોના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.
યુટિલિટી લાઇન બદલવામાં વિલંબનો આક્ષેપ
બ્રિજની કામગીરી શરૂ થયા બાદ યુટિલિટી લાઇન બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે પ્રોજેક્ટમાં અંદાજે 2 વર્ષનો વિલંબ થયો હોવાનો આક્ષેપ છે. અન્ય વિસ્તારોમાં મનપા દ્વારા ઝડપથી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન ઊભી કરવામાં આવે છે, પરંતુ વેજલપુરમાં આટલો સમય લાગતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે.
66 કરોડનો ખર્ચ, વધુ 12 કરોડ વધવાની શક્યતા
આ બ્રિજની કામગીરી ચેતન કન્સ્ટ્રક્શનને આશરે 66 કરોડના ખર્ચે સોંપવામાં આવી છે. કામગીરી પૂર્ણ થતાં પ્રોજેક્ટનો ખર્ચ આશરે 12 કરોડ જેટલો વધી શકે છે. આમ, કુલ ખર્ચ અંદાજે 78 કરોડ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સર્વિસ રોડની હાલત પણ ખરાબ
બ્રિજની કામગીરીની સાથે સર્વિસ રોડની સ્થિતિ પણ ખરાબ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સાંજના સમયે ભારે ટ્રાફિક જામ સર્જાય છે. બાંધકામને કારણે ધૂળ અને પ્રદૂષણની સમસ્યા પણ વધી રહી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો પરેશાન છે.
AMCની કામગીરી સામે સ્થાનિકોના સવાલ
સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી ચાલી રહેલી કામગીરી ક્યારે પૂર્ણ થશે તેની કોઈ સ્પષ્ટતા નથી. સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા અને પ્રદૂષણને કારણે રોજિંદા જીવન પર અસર થઈ રહી છે. હવે વેજલપુરના રહીશોની માંગ છે કે મહાનગરપાલિકા બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરી લોકોને રાહત આપે.
આ પણ વાંચો : Police News: નાઈટ પાર્ટીમાં 2 વરિષ્ઠ IPS અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી, મામલો પહોંચ્યો DGP સુધી