અમદાવાદ શહેરમાંથી આંતરરાજ્ય ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર ગેંગના અત્યંત કુખ્યાત ઓપરેટિવ આરિફ ઉર્ફે 'પિસ્તોલ'ની ધરપકડ કરવામાં અમદાવાદ પોલીસને મોટી સફળતા સાંપડી છે. વેજલપુર વિસ્તારમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, અમદાવાદ ગ્રામ્ય એસઓજી (SOG) અને દિલ્હી પોલીસે હાથ ધરેલા એક ગુપ્ત અને દિલધડક સંયુક્ત ઓપરેશન દરમિયાન આ ખતરનાક શૂટરને દબોચી લેવામાં આવ્યો હતો. આરિફની અટકાયતથી ગોલ્ડી બ્રાર ગેંગના પશ્ચિમ ભારતમાં સક્રિય નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.

11થી વધુ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરિફ ઉર્ફે પિસ્તોલ હત્યાના પ્રયાસ, સરેઆમ ફાયરિંગ અને કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવવા જેવા 11થી વધુ ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ હતો. તે વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર વતી દુબઈ મારફતે ભારતના મોટા વેપારીઓ અને બિલ્ડરોને ધમકીભર્યા કોલ કરીને ખંડણીનું મોટું રેકેટ ચલાવવામાં મદદ કરતો હતો. પોલીસની ધરપકડથી બચવા માટે તે સતત પોતાના રહેઠાણના સ્થળો બદલતો હતો અને પોતાની સાચી ઓળખ છુપાવીને નાસતો-ફરતો હતો.

નાણાકીય નેટવર્ક અંગે તપાસનો ધમધમાટ 

આરિફ વેજલપુરમાં ક્યારથી આશરો લઈને રહ્યો હતો અને અમદાવાદ સહિત ગુજરાતમાં તેના સ્થાનિક સાગરીતો કોણ છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ગોલ્ડી બ્રાર ગેંગના હવાલા અને નાણાકીય વ્યવહારો (Financial Network) માં તેની શું ભૂમિકા હતી તેની પણ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાંચ અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમ દ્વારા આરિફને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી તેના અન્ય સાથીદારો સુધી પહોંચી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો