અમદાવાદ શહેરના જુહાપુરા અને વેજલપુર વિસ્તારમાં આતંક મચાવનાર ગુનાહિત ટોળકીઓ સામે અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે. LCB ઝોન-7ની ટીમે એક મોટી સફળતા મેળવીને કુખ્યાત બાબુ કાલીયા ગેંગના મોસ્ટ વોન્ટેડ સાગરીતને દબોચી લીધો છે. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો આ આરોપી છેલ્લા બે મહિનાથી પોલીસને સરપંચ આપીને નાસતો-ફરતો હતો, જેને આખરે બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યો છે.

વેજલપુરથી રોઝાનખાન ઉર્ફે શેજાન પઠાણની ધરપકડ

LCB ઝોન-7ની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે ગુજટોક (GUJCTOC) અને હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર આરોપી વેજલપુર વિસ્તારમાં આવી રહ્યો છે. જેના આધારે ટીમે વોચ ગોઠવીને બાબુ કાલીયા ગેંગના સાગરીત રોઝાનખાન ઉર્ફે શેજાન પઠાણને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાયેલો હતો અને તે છેલ્લા બે મહિનાથી પોલીસ પકડથી દૂર હતો.

આર્મ્સ એક્ટ, ગુજટોક અને ગુનાહિત ઇતિહાસ

ઝડપાયેલા આરોપી રોઝાનખાન સામે કડક કાયદા જેવા કે આર્મ્સ એક્ટ અને ગુજટોક (GUJCTOC)ની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીનો ભૂતકાળ પણ ભારે ગુનાહિત રહ્યો છે. તે અગાઉ પણ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અન્ય બે જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનો ઇતિહાસ સામે આવ્યો છે. LCB ઝોન-7ની ટીમે આરોપીને તાબે લઈને આગળની વિધિવત કાનૂની કાર્યવાહી અર્થે વેજલપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો