ઉપરવાસમાંથી પાણીની આવક વધતા વાસણા બેરેજમાંથી સાબરમતી નદીના પાણી અમદાવાદ જિલ્લા ગ્રામ્ય તરફ છોડાયું હતું. છોડાયેલાં પાણીએ ધોળકા તાલુકા ગ્રામ્યમાં નદી કાંઠા વિસ્તારના સીમ ખેતરોમાં ઘૂસી જતાં તબાહી મચાઇ હોવાથી પંથકના ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે. જિલ્લાના અને સ્થાનિક સિંચાઇ વિભાગના અધિકારીઓ માત્ર કાગળ પર દાવા કરે છે, પરંતુ હકીકતમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી દર ચોમાસામાં 10 દિવસ સુધી ખેતરોમાંથી પાણી ન ઉતરતા ઊભા પાકને ભારે નુકસાન થવાનો ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો છે. જેની સામે સ્થાનિક અને જિલ્લાના રાજકીય આગેવાનો પણ ચૂપકિદી સેવીને બેસી રહ્યા છે.
રવિવારે સાબરમતી નદીમાં સવાથી દોઢ લાખ કયૂસેક પાણીની આવક વધતા વાસણા બેરેજના 27 ગેટ ખુલ્લા કરી દેવાયા હતાં. જેના કારણે નદીના પાણી જિલ્લાના નીચાણવાળા વિસ્તારો સહિત ખેતરોમાં પણ ઘૂસી ગયા હતાં. લોકોમાં દોડધામ મચી ગઇ હતી. હાલ નદીના પાણી સૌથી વધુ આંબલિયાળા, સાથળ, રામપુર, સઇજ, વૌઠા, ગિરંદ, અંધારી અને ખેડા તાલુકા રસિકપુરા વિગેરે ગામોના ખેતરોમાં 3થી ચાર ફુટ પાણી ઘૂસી ગયા છે. પાણી નીકળવા માટેનો પૂરતો રસ્તો જ નથી. જેના કારણે સપ્તાહથી લઇ 10 દિવસ સુધી પાણી નહીં ઉતરવાનો રોષ ઠાલવતા ખેડૂતોએ કહ્યું કે, પાક નુકશાની અંગે જિલ્લા કલેકટરથી લઇ સરકારમાં રજૂઆત કરાશે. આડેધડ બાંધકામોના લીધે હાલ વરસાદી પાણીના નિકાલ માટે કોઇ સરળ રસ્તો જ નથી. સિંચાઇ વિભાગના સ્થાનિક ઇજનેર વિઝીટ કરી ધોયેલા મોઢાંની જેમ પરત ચાલ્યા જાય છે. જિલ્લા સિંચાઇ વિભાગ કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું લાગે છે. વહેલી તકે પાણીનો નિકાલ નહીં થાય તો ખેડૂતો દ્વારા મોટાપાયે નુકસાનની ચિંતા વ્યક્ત કરાઇ છે.










