વસ્ત્ર્રાલની મહિલાએ ગુજરાતની સરકારની ગંગા સ્વરૂપા આર્થિક વિધવા સહાય યોજનાનો લાભ લેવા વાર્ષિક આવક ખોટી બતાવી સરકાર પાસેથી રૂ. 42 હજાર લઇ લીધા હતા.
બાદમાં તપાસ કરતા વાર્ષિક આવક રૂ. 3 લાખ હતી. જેથી મહિલાએ સરકારના રૂપિયા પરત પણ કર્યા હતા. આ અંગે સિટી મામલતદારે મહિલા સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
મણિનગરમાં રહેતા દિવાકર બધેકા સિટી મામલતદાર તરીકે નોકરી કરે છે. જેમાં વસ્ત્ર્રાલમાં રહેતા ઇલાબેન શાહના પતિ કાંતિલાલ વર્ષ 2018માં મૃત્યુ પામ્યા હતા. જેથી ઇલાબેને ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા આર્થિક વિધવા સહાય યોજના અંતર્ગત અરજી ફેર્મ ભર્યુ હતુ. તેમાં આવક અંગેના પ્રમાણપત્રમાં વાર્ષિક કુંટુંબની આવક રૂ. 1.20 લાખ બતાવી હતી. તેમજ વિધવા હોવાનું જણાવવામાં આવ્યું હતુ. જે બાદ સરકાર દ્વારા માસિક રૂપિયા 1250 સહાય આપવામાં આવતી હતી. આ દરમ્યાન ઈલાબેનની પુત્રવધુએ અરજીઓ કરીને જાણ કરી કે તેમની વાર્ષિક આવક વધુ હોવા છતા ઓછી દર્શાવી યોજનાનો લાભ લઈ છે જે અંગે તપાસ કરવા જણાવવામાં આવ્યું હતુ. જે બાદ તપાસ કરતા રૂ. 40 લાખનું મકાન ઇલાબેનના નામે હતુ. જેના આધારે તેમને યોજનાનો લાભ આપવાનો બંધ કર્યો હતો. બાદમાં ઇલાબેનને બોલાવી નિવેદન લેતા તેમના પુત્રનું આવક 3 લાખ હોવાનું સામે આવ્યુ હતુ. જેથી ઇલાબેને વિધવા સહાય યોજનાના રૂ. 42 હજાર પરત પણ કર્યા હતા. આ અંગે મામલતદારે ઇલાબેન સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.