શહેરના વેપારી પાસેથી કરોડો રૂપિયાનું કાપડ ખરીદી ઠગાઇ આચરવાના કેસમાં મહિલા આરોપી નીલમ બિપીનભાઇ ક્રિષ્ટીએ કેસમાંથી બિન તહોમત છોડી મુકવા(ડિસ્ચાર્જ) અરજી કરી છે.


જો કે, અરજી સામે ફરીયાદીએ વાંધા અરજી કરી એવી રજૂઆત કરી હતી કે, આરોપી મહિલા અને તેના પતિના ખાતામાં પૈસા આવેલ છે, પતિ સામે આવા બીજા ગુના પણ નોંધાયેલ છે, આરોપી સામે કેસ પડતર છે, આરોપી સામે પ્રથમદર્શિય કેસ બનતો હોવાથી ડિસ્ચાર્જ ન કરવા જોઇએ.આ મામલે ચીફ્ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટએ વધુ સુનાવણી 9મીના રોજ રાખી છે.

શહેરના કુબેરનગર વિસ્તારમાંથી વેપારીઓ પાસેથી કરોડોનો માલ ખરીદી પૈસા ન ચુકવતા નીલમ બિપીનભાઇ ક્રિષ્ટી, પંકજ અને ઉત્તમ ખત્રી સામે સીઆઇડી ક્રાઇમમાં વર્ષ 2023માં જુદી જુદી ત્રણ ફરીયાદ કરવામાં આવી હતી. જેમાં આરોપીઓએ કરોડોનો માલ લઇ પૈસા ન ચુકવ્યા સહિતનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેમાં તબક્કાવાર આરોપીઓની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીઓ સામે ચાર્જશીટ કરવામાં આવી હતી. ત્યારે આ કેસમાં નીલમ બિપીનભાઇ ક્રષ્ટીએ જુદા જુદા ત્રણ કેસમાંથી ડિસ્ચાર્જ થવા અરજી કરી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે, ત્રણે કેસમાં મારો કોઇ જ રોલ નથી, ચાર્જશીટ જોતા મારી સામે કોઇ જ પુરાવા નથી, ખોટી રીતે આરોપી તરીકે દર્શાવવામાં આવી હતી. ત્યારે ત્રણે કેસોમાંથી ડિસ્ચાર્જ કરી દેવી જોઇએ. જો કે, ડિસ્ચાર્જ અરજીઓ સામે ત્રણે ફરીયાદી કૈલાશ અશોકકુમાર નવલાણી, ધર્મેન્દ્ર કિશનચંદ નવલાણી અને મુરારી હોતચંદ હસરાજાણીએ વાંધા અરજી કરી જણાવ્યુ છે કે, મહિલા આરોપીઓ સહિતના લોકોએ કરોડો રૂપિયાનો માલ ખરીદી વેપારીઓ સાથે ઠગાઇ કરી છે, અમદાવાદ કાપડ માર્કેટનં હબ છે અને વેપાર ધંધા માટે આખા દેશમાંથી વેપારીઓ અહીંયા આવે છે, ત્યારે આ રીતે ઠગાઇ થતા અન્ય વેપારીઓમાં પણ અવિશ્વાસની લાગણીવ્યાપી ગઇ છે, આવા ઠગના કારણે કેટલાક વેપારીઓએ આત્મહત્યા પણ કરી છે, ત્યારે આવા આરોપીને ડિસ્ચાર્જ કરવા જોઇએ, આરોપીઓ સામે સીઆઇડી ક્રાઇમ, કોલ્હાપુર, મુંબઇ, સહિતની જગ્યાએ 10થી વધુ ફરીયાદો નોંધાયેલી છે, ત્રણ ફરીયાદોમાં ઠગાઇનો આંક રૂ.2 કરોડની આસપાસ પહોંચી ગયો છે, આરોપીઓએ અન્ય લોકોને પણ ઠગ્યાની આશંકા છે, આરોપીઓએ અમૂક દિવસોમાં પૈસા આપવાનું કહી માલ લઇ વેપારીઓ સાથે ઠગાઇ આચરી છે, મહિલા આરોપી સામે સાક્ષીઓના નિવેદન છે અને તેના એકાઉન્ટમાં પણ પૈસા ગયાના પુરાવા છે ત્યારે આવા ગંભીર કેસમાં આરોપીને ડિસ્ચાર્જ કરવામાં આવે તો ફરીયાદ પક્ષને અન્યાય થાય તેમ છે તેથી ડિસ્ચાર્જ ન કરવી જોઇએ. આ મામલે વધુ સુનાવણી 9મીના રોજ રાખી છે.


  • Follow us on: