અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે નશાકારક દવાઓનું વેચાણ અને હેરાફેરી કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. કાગડાપીઠ પોલીસની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને કોડીન યુક્ત કફ સિરપ (Codeine Phosphate) ના જથ્થા સાથે મફાજી ઉર્ફે દિનેશ ઉર્ફે ડી ધમાજી ઓડ નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી કફ સિરપની ૧૦૦ બોટલો જપ્ત કરી નશાકારક સિરપના કાળાબજાર પર રોક લગાવી છે.
બહેરામપુરાથી બાઈક પર જતા પકડાયો
કાગડાપીઠ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી બહેરામપુરા વિસ્તારમાંથી ગેરકાયદેસર કફ સિરપનો જથ્થો લઈને પસાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે ઘટનાસ્થળેથી કફ સિરપની બોટલો, મોબાઈલ ફોન, રોકડ રકમ અને હેરાફેરીમાં વપરાયેલું જ્યુપીટર બાઈક મળીને કુલ રૂ. 75,800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
