અમદાવાદ શહેરમાં આગામી નવરાત્રિ મહોત્સવ દરમિયાન યોજાનારા કોમર્શિયલ ગરબા મહોત્સવોમાં ખેલૈયાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.ગરબા સ્થળોએ ભીડ નિયંત્રણ હેતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત રહેશે.પ્રવેશ અને નિકાસ વ્યવસ્થા ઉપરાંત પૂરતી ક્ષમતાવાળા ઈમરજન્સી એક્ઝિટ ઊભા કરવા પડશે.મેટલ ડિટેક્ટર,પૂરતી સંખ્યામાં સિક્યોરિટી ગાર્ડ તથા મહિલા સુરક્ષા ગાર્ડ તહેનાત રાખવા પડશે.

 ભાડું ભર્યાની સત્તાવાર પહોંચ રજૂ કરવી પડશે

કોઈપણ નશાખોર વ્યક્તિને પ્રવેશ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે અને આવા તત્વો સામે તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરાશે. સરકારી જમીન પર ગરબાનું આયોજન હોય તો સંબંધિત વિભાગની મંજૂરી અને ભાડું ભર્યાની સત્તાવાર પહોંચ રજૂ કરવી પડશે.હંગામી ડોમ કે સ્ટેજની સલામતી અંગે પીડબલ્યુડી વિભાગની એનઓસી લેવી પડશે.ગરબાના પરફોર્મન્સ લાયસન્સ માટે આયોજકોએ ગુજરાત સરકારના ઈ-વેસ્ટર ફ્રેન્ડલી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. 

જાહેર હિતની વીમા પોલિસી જોડવી અનિવાર્ય

અરજી સાથે આયોજકનું ઓળખકાર્ડ, સ્થળ માલિકનું સંમતિપત્ર, ફાયર વિભાગની એનઓસી, ઈલેક્ટ્રિકલ ઈન્સ્પેક્ટરનું પ્રમાણપત્ર અને જાહેર હિતની વીમા પોલિસી જોડવી અનિવાર્ય રહેશે.નિયમોનું પાલન નહીં કરનારા આયોજકોને આયોજનની પરવાનગી મળશે નહીં.આ તમામ સલામતી માર્ગદર્શિકાના અમલીકરણ અને આયોજકોને જરૂરી સૂચનાઓ આપવા માટે બુધવારે પોલીસ કમિશનર કચેરી ખાતે સંયુક્ત બેઠક યોજાઈ હતી. જેમાં પોલીસ કમિશનર, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Gujarat Latest News Live : ગુજરાતમાં મિશ્ર ઋતુની અસર શરૂ થઈ, ઠંડી અને ગરમી સાથે વરસાદની આગાહી