અમદાવાદ શહેરની હવામાં ધૂળના રજકણોનું પ્રદૂષણ ચિંતાજનક સ્તરે યથાવત રહ્યું છે. તાજેતરના આંકડાઓ મુજબ, શહેરમાં છેલ્લા બે વર્ષમાં પાર્ટિક્યુલેટ મેટર એટલે કે PM10ના સ્તરમાં ઘટાડો થવાના બદલે સતત વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને વર્ષ 2025-26 દરમિયાન PM10ના પ્રમાણમાં 3.1 ટકાનો વધારો નોંધાયો છે, જે શહેરીજનોના સ્વાસ્થ્ય માટે લાલબત્તી સમાન છે.
રાષ્ટ્રીય ધોરણ કરતાં 68 ટકા વધુ પ્રદૂષણ, રોડની ધૂળ મુખ્ય કારણ
અમદાવાદની હવામાં PM10નું સ્તર વધીને 101 માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટર સુધી પહોંચી ગયું છે. ચોંકાવનારી બાબત એ છે કે પ્રદૂષણનું આ પ્રમાણ નિર્ધારિત રાષ્ટ્રીય ધોરણ કરતાં 68 ટકા જેટલું વધારે છે. નિષ્ણાતોના મતે, શહેરમાં આટલા ઊંચા સ્તરે પ્રદૂષણ ફેલાવા પાછળ 'રોડની ધૂળ' સૌથી મોટું અને મુખ્ય કારણ છે. ઠેર-ઠેર ચાલતા ખોદકામ, બાંધકામ અને રસ્તાઓ પર ઉડતી ધૂળના કારણે હવાની ગુણવત્તા સતત કથળી રહી છે.
