અમદાવાદમાં રોડ એન્જિનિયરિંગના નામે ચાલી રહેલા અખતરાઓનો ભોગ દરરોજ લાખો વાહનચાલકો બની રહ્યા છે. પશ્ચિમ ઝોનથી લઈને પૂર્વ ઝોનના અનેક મોડેલ રોડ પર અમદાવાદ મહાનગરપાલિકાના રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓએ એવું વિચિત્ર આયોજન કર્યું હતું કે, મુખ્ય રસ્તાઓ સાંકડા થઈ ગયા અને ચાલવા માટેની ફૂટપાથ હદ કરતાં વધુ મોટી બની ગઈ. હદ તો ત્યારે થઈ જ્યારે અનેક વિસ્તારોમાં એવા રસ્તા જોવા મળ્યા જ્યાં વાહનો ચલાવવા માટે માંડ બે મોટરસાયકલ પસાર થઈ શકે તેટલી જ જગ્યા બચી હતી, જ્યારે તેની બાજુમાં આવેલી ફૂટપાથ અને પાર્કિંગ એરિયામાં બે મોટી એસયુવી (SUV) કાર આરામથી રહી શકે એટલી જગ્યા છોડવામાં આવી હતી.

પીક અવર્સમાં ટ્રાફિકે કમ્મર તોડી

આ અણઘડ નકશા અને આયોજનના કારણે એસ.જી. હાઇવેને જોડતા આંતરિક રસ્તાઓ, આશ્રમ રોડ, સેટેલાઇટ, સી.જી. રોડ સહિતના અનેક પોશ વિસ્તારોમાં સવાર-સાંજ ઓફિસ ટાઇમે વાહનોની લાંબી કતારો લાગતી હતી. ટ્રાફિક પોલીસ અને મનપા વચ્ચે પણ આ બાબતે અનેકવાર સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. અધિકારીઓએ મન પડે તેમ 3 થી લઈને 15 મીટર સુધીના મસમોટા ફૂટપાથ બનાવી દીધા, પરંતુ તેનો ઉપયોગ રાહદારીઓ કરવાના બદલે લારી-ગલ્લાવાળાઓ અને ગેરકાયદે પાર્કિંગ કરનારા તત્વો કરવા લાગ્યા. ટ્રાફિકની આ ભયાનક સમસ્યા અંગે સ્થાનિક કાઉન્સિલરો અને જનતા દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆતોનો મારો ચલાવવામાં આવ્યો હતો.

હવે નવા રોડ પ્રોજેક્ટમાં નિયમો બદલાશે

ચારેય તરફથી થૂ-થૂ થતાં આખરે એએમસી (AMC) ના ઉચ્ચ અધિકારીઓને પોતાની ભૂલ સમજાઈ છે અને વહીવટી જ્ઞાન લાધ્યું છે. મનપાની તાજેતરની વહીવટી બેઠકમાં એવો કડક નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી શહેરમાં કોઈ પણ નવો રોડ બનશે કે રિપેર થશે, ત્યારે તેની ફૂટપાથ રોડની વાસ્તવિક સાઇઝ અને વાહનોના ટ્રાફિક લોડને માપીને જ બનાવવામાં આવશે. ફૂટપાથના નામે રસ્તા રોકવાની આ પ્રથા બંધ થશે. જો કે, જનતામાં અત્યારે એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે જે જગ્યા પર કરોડો રૂપિયાના પબ્લિક ટેક્સના ખર્ચે ઓલરેડી મોટા ફૂટપાથ બની ગયા છે, શું તેને તોડીને રોડ પહોળા કરવામાં આવશે? અને જો તોડવામાં આવશે તો આ જનતાના નાણાંના વેડફાટ માટે જવાબદાર એન્જિનિયરો સામે કોઈ દંડાત્મક પગલાં લેવાશે કે કેમ?

આ પણ વાંચો:  Gondal: પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ જ ઉજ્જડ કર્યો પોતાનો સુહાગ, LCB પોલીસે હત્યારાને દબોચ્યા