અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા તથા લાંબા સમયથી સર્જાતી ડ્રેનેજ ચોકિંગ, બેકિંગ અને વારંવાર થતા લીકેજની સમસ્યાઓના નિવારણ માટે મેયર હિતેશભાઈ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ AMC દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. ઠક્કરબાપાનગર વિસ્તારમાં આવેલા હયાત જીવણવાડી ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની 600 મી.મી. વ્યાસની રાઇઝિંગ લાઇનનું માઇક્રો ટનલિંગ પદ્ધતિથી નાખવામાં આવેલી નવી ટ્રંક મેઇન લાઇન સાથે સફળતાપૂર્વક જોડાણ કરવામાં આવ્યું છે.
અદ્યતન ટેકનોલોજી દ્વારા ડ્રેનેજ નેટવર્કની કાર્યક્ષમતા વધારાઈ
આ જોડાણ થવાથી નવી લાઇનની વધુ ક્ષમતાનો ઉપયોગ શક્ય બનશે અને પમ્પિંગ સ્ટેશનને પૂરતી ક્ષમતાથી કાર્યરત રાખી શકાશે. પરિણામે નિકોલ, ગોપાલચોક, ઠક્કરબાપાનગર અને વિરાટનગર સહિતના આસપાસના વિસ્તારોમાં વારંવાર સર્જાતી ડ્રેનેજ ચોકિંગ અને બેકિંગની સમસ્યાઓનું નિવારણ કરવામાં આવશે. આ ઉપરાંત, રાઇઝિંગ લાઇનમાં થતા લીકેજની સમસ્યામાંથી પણ નાગરિકોને કાયમી રાહત મળશે અને જૂની 1600 મી.મી. ટ્રંક મેઇન લાઇન પરનું ભારણ ઘટવાથી સમગ્ર ડ્રેનેજ નેટવર્કની કાર્યક્ષમતામાં મોટો વધારો થશે.

