અમદાવાદ શહેરના પેરિફેરલ વિસ્તારો અને હાઈવે ટચ વોર્ડમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરની સૂચનાથી શહેરભરમાં સફાયો અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત આજે વહેલી સવારથી જ એસ્ટેટ વિભાગની ટીમનો મોટો કાફલો સરખેજ વોર્ડમાં આવેલા સાણંદ ક્રોસિંગ સર્કલ પાસે ત્રાટક્યો હતો. સાણંદ ક્રોસિંગ એ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તરફ જતા ભારે વાહનો માટેનું મુખ્ય પ્રવેશદ્વાર હોવાથી અહીં રસ્તાની બંને બાજુએ થયેલા દબાણો અકસ્માતને નોતરું આપતા હતા.
કોઈ પણ ભેદભાવ વગર નડતરરૂપ ધાર્મિક દબાણો હટાવાયા
તંત્ર દ્વારા આ ઝુંબેશ દરમિયાન કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના માર્ગની વચ્ચે કે ફૂટપાથ પર નડતરરૂપ બનતા ધાર્મિક બાંધકામો અને દબાણોને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હટાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોર્પોરેશનના ધ્યાને આવ્યું હતું કે કેટલાક ભૂમાફિયાઓ અને સ્થાનિક તત્વો દ્વારા એએમસીની કે સરકારી માલિકીની જમીન પર મંજૂરી વગર રાતોરાત નવા પાકા દબાણો બનાવવામાં આવી રહ્યા હતા. તંત્રએ આ નવા બની રહેલા અડ્ડાઓ પર વહેલી સવારે જ જેસીબી ચલાવીને તેને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી દીધા હતા.
