અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર આરોગ્યના હિતમાં અમદાવાદ શહેરના વિવિધ ઝોન અને વોર્ડ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા ચકાસવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તા. 01/10/2026થી તા. 02/11/2026 દરમિયાન ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે કુલ 841 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓમાંથી 27 જેટલા ખાદ્ય નમૂનાઓ અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે, જેમના ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

દંડકીય કાર્યવાહી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ

આ તપાસ અભિયાન દરમિયાન કુલ 2226 ખાદ્ય ધંધાકીય એકમોની ચકાસણી કરવામાં આવી હતી અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને 110 નોટિસો ઇસ્યુ કરવામાં આવી હતી. વિભાગ દ્વારા અંદાજે 1345 કિલોગ્રામ જેટલા બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે તથા વહીવટી ચાર્જ પેટે કુલ રૂ.11,28,500ની રકમ વસૂલ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગુણવત્તા ચકાસવા માટે 514 ટી.પી.સી. (TPC) ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. 

અનહાઈજિનિક એકમો સામે સીલિંગ અને ક્લોઝરની કાર્યવાહી

શહેરમાં અસ્વચ્છતા (અનહાઈજિનિક પરિસ્થિતિ), માન્ય FSSAI લાઇસન્સ કે રજિસ્ટ્રેશન વગર ધંધો ચલાવવો તેમજ ખાદ્ય પદાર્થોના સંગ્રહ અને ઉત્પાદનમાં વિસંગતતા જોવા મળવાને કારણે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. નિયમોનું પાલન ન કરનાર કુલ 19 જેટલા યુનિટોને વિભાગ દ્વારા સીલ અથવા ક્લોઝ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની સઘન તપાસ ચાલુ રહેશે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો