જો તમે અમદાવાદની બજારોમાં લારી-ગલ્લા કે રેસ્ટોરન્ટમાં ખાવાના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે આંખ ઉઘાડનારા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા જૂન મહિના દરમિયાન હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. બજારોમાંથી લેવાયેલા વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓમાંથી 46 જેટલા સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ થયા છે.

મેંગો શેક, પનીર અને ઘી જેવા રોજિંદા ખોરાકમાં ભેળસેળ

આરોગ્ય વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ, ઉનાળા અને ચોમાસાની મિશ્ર ઋતુમાં લોકો જે પદાર્થો વધુ આરોગે છે, તેમાં જ મોટી ભેળસેળ સામે આવી છે. લોકોનો ફેવરિટ મેંગો શેક, શરબત અને વેજિટેબલ સોસના નમૂના ફેલ થયા છે. રસોઈમાં વપરાતી મુખ્ય સામગ્રી જેમ કે ઘી, લવિંગ અને શાકભાજીની ગ્રેવી પણ અખાદ્ય હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત ડેરી પ્રોડક્ટ્સમાં વ્યાપકપણે વપરાતા પનીર અને શ્રીખંડના સેમ્પલ પણ ગુણવત્તાના ધોરણોમાં નબળા સાબિત થયા છે, જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.

Ahmedabad News: Crores Worth of Hydroponic Ganja Seized from Bangkok Passenger at Ahmedabad Airport

709 નમૂનાની તપાસ અને 2748 કિલો જથ્થાનો નાશ

જૂન મહિના દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સપાટો બોલાવીને કુલ 709 નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોર્પોરેશનની ટીમો દ્વારા કુલ 1877 એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવો અંદાજે 2748 કિલોગ્રામ જેટલો વાસી અને કેમિકલયુક્ત અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો, જેનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થળ પર જ તાત્કાલિક નાશ કરવામાં આવ્યો છે.

545 એકમોને નોટિસ અને 4 દુકાનોને સીલ મરાયા

ખોરાકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને સ્વચ્છતા ન જાળવનારા વેપારીઓ સામે તંત્રએ કડક કાયદાકીય પગલાં ભર્યાં છે. કાયદાનું ઉલ્લંઘન કરતા 545 એકમોને દંડાત્મક નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે જ આરોગ્યના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતી અને વારંવાર સૂચના આપવા છતાં બેદરકારી દાખવતી 4 મોટી દુકાનો/એકમોને સીલ મારીને બંધ કરી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ ફૂડ વિભાગ દ્વારા આ ચેકિંગ ડ્રાઈવ વધુ કડક બનાવવામાં આવશે, તેવા સંકેતો વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે.


આ પણ વાંચો - Gujarat Rain Update: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ધોધમાર વરસાદ, જાણો કયા કેટલો વરસાદ?