અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ વિભાગની ગંભીર બેદરકારી અને અંધેર નગરી જેવો વહીવટ સામે આવ્યો છે. મનપાના માલિકીના પ્લોટમાં એક પણ રૂપિયો ભાડું કે ડિપોઝિટ ભર્યા વગર ગરબાનું આયોજન કરી દેવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, ગરબા શરૂ થયાના 4 દિવસ સુધી તંત્રને આ ગેરરીતિની જાણ જ ન થઈ. આ ઘટના સામે આવતાં જ મનપાના વહીવટી તંત્રની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

સ્ટેન્ડિંગ કમિટીમાં પૂછપરછ બાદ ખુલાસો

સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન જ્યારે એસ્ટેટ વિભાગના અધિકારીઓ પાસે આ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. મામલો સામે આવતાં જ હરકતમાં આવેલા એસ્ટેટ વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચીને જગતપુર-ગોતા રોડ પર આવેલા 'ફળિયું' ગરબા પ્લોટને સીલ કરી દીધો હતો. મનપાની જગ્યાનો બિનઅધિકૃત ઉપયોગ થતાં સ્થાનિક લોકોમાં પણ ભારે આશ્ચર્ય ફેલાયું છે.

ડિપોઝિટ અને ભાડા પેટે રૂ.39 લાખ વસૂલશે મનપા

એસ્ટેટ વિભાગ દ્વારા સ્થળ સીલ કર્યા બાદ હવે આયોજકો સામે કડક વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપા તંત્ર દ્વારા પ્લોટના બાકી નીકળતા ભાડા તેમજ ડિપોઝિટ પેટે કુલ રૂ. 39 લાખની માતબર રકમ વસૂલવાનો નિર્ણય લેવાયો છે. વગર પરવાનગીએ અને ભાડું ભર્યા વિના આટલું મોટું આયોજન કઈ રીતે થઈ ગયું તે દિશામાં પણ જવાબદાર અધિકારીઓ સામે તપાસની માંગ ઊઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો