દિવાળી અને બેસતા વર્ષના તહેવારો દરમિયાન શહેરીજનોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નો આરોગ્ય અને ફૂડ વિભાગ સક્રિય બન્યો છે. શહેરના મુખ્ય ખાદ્યતેલ અને ઘીના હોલસેલ વેપાર કેન્દ્ર ગણાતા માધુપુરા માર્કેટમાં આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમોએ એકસાથે ત્રાટકીને ઘીના ઉત્પાદકો અને જથ્થાબંધ વેપારીઓના એકમો પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

આરોગ્ય અને ફૂડ વિભાગ સક્રિય બનતા વેપારી આલમમાં દોડધામ

તંત્ર દ્વારા સ્થળ પર જ આધુનિક ‘રેપિડ ટેસ્ટ કીટ’ ની મદદથી ઘીના નમૂનાઓનું તાત્કાલિક ઓન-ધ-સ્પોટ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. અલગ-અલગ 25 જેટલી ઘીની નામાંકિત તેમજ સ્થાનિક બ્રાન્ડ્સની ગુણવત્તા ચકાસવામાં આવી હતી, જેના પગલે વેપારી આલમમાં દોડધામ મચી ગઈ હતી.

તંત્ર દ્વારા કેમિકલ સોલ્યુશનથી સ્થળ પર જ ટેસ્ટિંગ

 ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ઘીમાં હાઇડ્રોક્લોરિક એસિડ (HCL) અને ફુરફુરા (Furfural) સોલ્યુશન મિક્સ કરીને બૌડોઈન ટેસ્ટ (Baudouin Test) કરવામાં આવ્યો હતો. જો ઘીમાં તેલ કે વનસ્પતિની ભેળસેળ હોય તો મિશ્રણનો રંગ લાલ થઈ જાય છે. માધુપુરાના એકમોમાં સ્થળ પર કરાયેલા પ્રાથમિક રેપિડ ટેસ્ટમાં કોઈ ગંભીર ભેળસેળ સામે આવી નથી અને પ્રાથમિક સેમ્પલ પાસ થયા છે. બજારમાં ઉપલબ્ધ ગાય અને ભેંસના ઘીની 25 વિવિધ બ્રાન્ડ્સના પેકિંગ તેમજ છૂટક જથ્થાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.

લેબોરેટરી ટેસ્ટિંગ માટે નમૂના રવાના

રેપિડ ટેસ્ટ કીટ માત્ર પ્રાથમિક ભેળસેળ પકડવા માટે હોવાથી, તંત્રએ કોઈપણ પ્રકારનું જોખમ લીધા વિના તમામ બ્રાન્ડ્સમાંથી નિયત પ્રક્રિયા મુજબ વૈધાનિક (સ્ટેચ્યુટરી) સેમ્પલ અલગથી એકત્ર કર્યા છે.આ તમામ નમૂનાઓને સઘન માઇક્રોબાયોલોજિકલ અને કેમિકલ એનાલિસિસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા 61 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા, દેશનિકાલની પ્રક્રિયા તેજ