અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે નિર્માણ કરવામાં આવતા LIG (લો ઇનકમ ગ્રુપ) અને EWS (ઈકોનોમિકલી વિકર સેક્શન) આવાસ યોજનાના અરજદારો માટે ખૂબ જ મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. આવાસ યોજનાની ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન કેટેગરીમાં થયેલી ભૂલોને કારણે અનેક લાભાર્થીઓને ડ્રોમાં નામ આવ્યા બાદ પણ મકાન જતું કરવું પડતું હતું. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને હવે AMC તંત્ર દ્વારા કેટેગરીની ભૂલોમાં સુધારો કરવાનો મોટો અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લાં 10 વર્ષમાં 30,000થી વધુ મકાનો, 10% અરજદારોની કેટેગરીમાં ભૂલ

મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં 10 વર્ષમાં 30,000થી પણ વધુ EWS અને LIG આવાસ બનાવવામાં આવ્યા છે. જોકે, ફોર્મ ભરતી વખતે અરજદારો અથવા સાયબર કાફે દ્વારા થાય તેવી ટેકનિકલ ભૂલોના કારણે આશરે 10% જેટલા અરજદારોની કેટેગરીમાં ભૂલ રહી જતી હતી. પરિણામે, ડ્રોમાં મકાન લાગી ગયા પછી પણ યોગ્ય કેટેગરીના દસ્તાવેજો ન હોવાના કારણે લાભાર્થીઓને પોતાના હકના મકાનથી વંચિત રહેવું પડતું હતું. અરજદારોની સતત રજૂઆતો બાદ મ્યુનિસિપલ તંત્રએ આ ભૂલ સુધારવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે.

અરજદારોને SMS મોકલાશે, ગીતામંદિર ખાતે 10 દિવસમાં થશે સુધારો

હવે AMC દ્વારા તમામ અરજદારોને વ્યક્તિગત SMS મોકલીને પોતાની કેટેગરી ચકાસી લેવા માટે વિનંતી કરવામાં આવશે. જો કોઈ અરજદારની કેટેગરીમાં ભૂલ જણાય તો આગામી 10 દિવસ સુધી અમદાવાદના ગીતામંદિર ખાતે આવેલા ખાસ સેન્ટર પર જઈને કેટેગરી ચેન્જ કરવા સહિતના જરૂરી સુધારા-વધારા કરાવી શકાશે. આ વ્યવસ્થાના કારણે હજારો અરજદારોના ડ્રોમાં મકાન રદ થવાનું જોખમ ટળી જશે.

7,825 મકાનો માટે આવી છે 97,190 અરજીઓ

અમદાવાદમાં હાલ ચાલી રહેલી આવાસ યોજનાઓની વાત કરીએ તો, કુલ 7,825 મકાનો માટે જંગી પ્રતિસાદ સાંપડ્યો છે અને 97,190 જેટલી રેકોર્ડબ્રેક અરજીઓ આવી છે. આટલી મોટી સંખ્યામાં આવેલી અરજીઓ વચ્ચે ડ્રો પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ક્ષતિરહિત બને તે માટે તંત્ર દ્વારા ડ્રો યોજાય તે પહેલા જ કેટેગરી સુધારવાની આ તક આપવામાં આવી રહી છે.

આગામી બે મહિનામાં મકાનોનું કરાશે લોકાર્પણ

આવાસ યોજનાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે અને આગામી બે મહિનામાં જ 7,825 નવા મકાનોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. ડ્રો પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ લાભાર્થીઓને પોતાના સ્વપ્નના ઘરની ચાવી સોંપવામાં આવશે. તંત્રના આ નિર્ણયથી હજારો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.


આ પણ વાંચો - 20 August Top News: 20 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ