અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યપ્રણાલી પર અવારનવાર સવાલો ઊભા થતા રહ્યા છે.શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે નવા રોડ રસ્તાઓ તૈયાર કરવામાં આવે અને તેના ગણતરીના દિવસોમાં જ કોઈને કોઈ કામગીરી અર્થે તેને ખોદી નાખવામાં આવે તેવા દ્રશ્યો અમદાવાદીઓ માટે નવા નથી.પાણી વહી ગયા બાદ પાળ બાંધવા જેવા તંત્રના વલણ વચ્ચે હવે જાગેલા મ્યુનિસિપલ કોર્પોરેશને રોડ નિર્માણની કામગીરીને લઈને એક નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી છે.
નવા રોડ બનાવતા પહેલા યુટિલિટી લાઈન તપાસવી પડશે
મનપા દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા અનુસાર,હવે શહેરમાં કોઈ પણ નવો રોડ ડિઝાઈન કે પ્રપોઝ કરવામાં આવે તે પહેલાં જ જે-તે વિસ્તારની તમામ પ્રકારની યુટિલિટી લાઈનો અંગે ઝીણવટભરી તપાસ કરીને તેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.રોડ બન્યા પછી ગેસ, ડ્રેનેજ, પાણી કે વિજળીની લાઈનો નાખવા માટે વારંવાર થતા ખોદકામથી પ્રજાના નાણાંનો વ્યય અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે.નવી SOP મુજબ,રોડ નિર્માણની ડિઝાઈન નક્કી કરતી વખતે આસપાસની ફૂટપાથ અને પાર્કિંગ માટેની જગ્યાઓ અંગે પણ પૂર્વ-સર્વે કરીને રિપોર્ટ સબમિટ કરવો પડશે.
