અમદાવાદ શહેરમાં ફ્લેટ, સોસાયટીઓ અને પ્રાઇવેટ બંગલાઓમાં પાલતુ શ્વાન અને બિલાડી રાખવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ઘણીવાર પાલતુ પ્રાણીઓના કારણે પડોશીઓ વચ્ચે કે સોસાયટીના સભ્યો વચ્ચે વિવાદો પણ સામે આવતા હોય છે. આ તમામ બાબતો પર નિયંત્રણ રાખવા અને શહેરમાં પાલતુ પ્રાણીઓનો સચોટ આંકડો મેળવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNDC) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર શ્વાન માટે જ નિયમો કડક હતા, પરંતુ હવે પ્રથમ વખત પાલતુ બિલાડીનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.
સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન, ફીમાં મોટો તફાવત
પેટ પેરેન્ટ્સે પાલિકાની કચેરીના ધક્કા ન ખાવા પડે તે માટે એએમસી દ્વારા પોતાની સત્તાવાર વેબસાઇટ અને પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશનની લિંક એક્ટિવ કરવામાં આવી છે. આ નોટિસમાં સરકારે બંને પ્રાણીઓ માટે ફીનું માળખું અલગ રાખ્યું છે. જો તમે ઘરમાં પાલતુ બિલાડી રાખી હોય તો તેના રજીસ્ટ્રેશન માટે વર્ષના 200 ચૂકવવા પડશે. જ્યારે પાલતુ શ્વાનની નોંધણી માટે 2,000ની ફી નિર્ધારિત કરવામાં આવી છે. અરજી કરતી વખતે પશુ ચિકિત્સક (ડોક્ટર)નું વેક્સિનેશન સર્ટિફિકેટ અને માલિકના આઈડી પ્રૂફ જેવા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
