અમદાવાદમાં ગેરકાયદે ખડકી દેવાયેલા દબાણો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. આ દબાણો જપ્ત કર્યા પછી નક્કી કરાયેલી રકમ ભર્યા પછી છોડી દેવામાં આવતા હોય છે. ત્યારે હવે તંત્ર દ્વારા એક નવો નિયમ અમલી બનવા જઈ રહ્યો છે. શહેરમાંથી ઉઠાવી લેવામાં આવેલા ગેરકાયદે દબાણોનો સામાન છોડાવવા માટે હવે બમણી રકમ ચૂકવવી પડશે. આ રકમની ચૂકવણી અંગે આગામી ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં રજૂઆત કરવામાં આવશે. જે લોકોના દબાણો જપ્ત થશે તેમને હવે બમણો ખર્ચ કરવો પડી શકે છે.  

ટાઉન પ્લાનિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવશે

અમદાવાદના વિવિધ રસ્તાઓ ઉપર વાહનો ઉપરાંત લારી-ગલ્લા સહિતનાં દબાણો માલસામાન સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ઉપાડવાની ઝોન મુજબ કામગીરી કરવામાં આવે છે.આ ઉપરાંત અનેક રસ્તાઓ તથા ફૂટપાથ ઉપર બિનવપરાશી વાહનો મુકનારાઓ સામે કાર્યવાહી તથા જપ્ત કરાયેલો સામાન છોડાવવા માટેના વહીવટી ચાર્જમાં વધારો કરવાની સાથે નીતિ-નિયમો પણ વધુ આકરા બનાવવા અંગે આવતીકાલ બુધવારે મળનારી એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવશે.બે કે તેથી વધુ વખત માલસામાન પકડાય તેવા કિસ્સામાં માલસામાન પરત નહીં આપવા જેવો નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

સાત ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે

મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં આવેલા વિવિધ રોડ ઉપરથી એસ્ટેટ વિભાગ દ્વારા ઉપાડવામાં આવતા લારી-ગલ્લા અને પાથરણાં તથા તેમના માલસામાનની સાથે બિનવપરાશી વાહનો માટે 1 જાન્યુઆરી 2003ના રોજ કોર્પોરેશન વહીવટી તંત્ર તરફથી પરિપત્ર કરવામાં આવ્યો હતો.છેલ્લા 23 વર્ષથી એ પરિપત્ર મુજબ જ તમામ સાત ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા શહેરના વિવિધ રોડ ઉપર કરવામાં આવતા દબાણોને લઈ કોર્પોરેશનને આપવામાં આવેલા આદેશ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ શહેરના તમામ રોડ દબાણમુક્ત થાય એ માટેની સૂચનાઓ સાપ્તાહિક સમીક્ષા બેઠકમાં અગાઉ આપવામાં આવેલી છે.

આ પણ વાંચોઃ