અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકના કિંમતી પ્લોટોને ભાડે આપવાના મામલામાં તંત્રની ઘોર બેદરકારી અને અધિકારીઓની મનસ્વી કામગીરી સામે આવી છે. અમદાવાદ મનપા હસ્તકના પ્લોટ ભાડે આપવા માટે હાલ કોઈ ચોક્કસ કે નક્કર નીતિ અમલમાં ન હોવાના કારણે અધિકારીઓ કોઈપણ હેતુ માટે ગમે તેને પ્લોટ ભાડે ચડાવી રહ્યા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. નીતિના આ અભાવે અમદાવાદ મનપાની તિજોરીને નુકસાન અને વ્યવસ્થા ખોરવવાનો મોટો વિવાદ સર્જ્યો છે.

ત્રણ વર્ષથી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી જ ન લેવાઈ

આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, છેલ્લા ત્રણ વર્ષથી આ પ્લોટો ભાડે આપવા માટે ઉચ્ચ સત્તાધિકારી એવી સ્ટેન્ડિંગ કમિટીની કોઈ મંજૂરી જ લેવામાં આવી નથી. અગાઉ પ્લોટ ભાડે આપવા માટે એક નીતિ બનાવવામાં આવી ખરી, પરંતુ તે દર છ મહિને બદલવી પડતી હતી. છેલ્લે ફેબ્રુઆરી મહિનામાં આ નીતિની મુદત પૂર્ણ થઈ ગયા બાદ, હાલના તબક્કે કોર્પોરેશનમાં કોઈ પણ પ્રકારની સ્ટાન્ડર્ડ પોલિસી અમલમાં નથી, જેના કારણે અધિકારીઓ બેફામ બન્યા છે.

ભાડાના પ્લોટમાં નિયમ વિરુદ્ધ પાકા બાંધકામ અને ઇન્ડસ્ટ્રીયલ શેડ

ચોક્કસ નીતિ અને સુપરવિઝનના અભાવે ભાડે આપવામાં આવેલા પ્લોટો પર મોટા પાયે નિયમોનું ઉલ્લંઘન થયું છે. અમદાવાદ કોર્પોરેશનના નિયમ મુજબ ભાડાના પ્લોટ પર ટેમ્પરરી ધોરણે જ ઉપયોગ થઈ શકે, પરંતુ અહીં ભાડે આપેલા પ્લોટોમાં પાકા બાંધકામો થઈ ગયા હોવાની રજૂઆતો થઈ છે. એટલું જ નહીં, કિંમતી જમીનો પર મોટા-મોટા ઇન્ડસ્ટ્રીયલ શેડ પણ ચણાઈ ગયા છે. આ સિવાય અનેક પ્લોટો ખાણીપીણીની બજારો અને ફૂડ સ્ટોલ માટે આડેધડ ફાળવી દેવામાં આવ્યા છે.

સ્ટેન્ડિંગ કમિટીની કડક સૂચના

આડેધડ પ્લોટ ફાળવણી અને તેના પર થયેલા ગેરકાયદે બાંધકામો અંગેની ફરિયાદો સ્ટેન્ડિંગ કમિટી સુધી પહોંચતા કમિટી લાલચોળ થઈ છે. વહીવટી તંત્રની આ બેદરકારી પર રોક લગાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તાત્કાલિક અસરથી નવી અને કડક નીતિ બનાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

નવી નીતિમાં કમિટીની મંજૂરી લેવી ફરજિયાત બનશે

નવી બનનારી નીતિ અંતર્ગત હવે પ્લોટ કયા હેતુ માટે આપવો, કેટલા સમયગાળા માટે આપવો અને તેનો ભાડાનો દર શું રહેશે તે બધું જ અગાઉથી નક્કી કરવામાં આવશે. સૌથી મહત્વની બાબત એ છે કે, નવી પોલિસી લાગુ થયા બાદ અધિકારીઓ પોતાની મરજીથી પ્લોટ ફાળવી શકશે નહીં, પરંતુ કોઈપણ પ્લોટ ભાડે આપતા પહેલાં ફરજિયાતપણે સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ મંજૂરી લેવી પડશે. તંત્રના આ કડક વલણથી આગામી દિવસોમાં મનસ્વી કામગીરી કરતા અધિકારીઓ પર લગામ કસાશે.


આ પણ વાંચો - Ahmedabad News: રથયાત્રા પહેલા 544 જર્જરિત મકાનો અંગે AMCની કાર્યવાહી, 44 મકાનો તોડી પડાયા