અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓની કથિત દાદાગીરી અને પક્ષપાત સામે આવતા ભારે હોબાળો મચી ગયો હતો. CTM એક્સપ્રેસ હાઈવે પાસે દબાણ શાખાની ટીમ જ્યારે કાર્યવાહી કરવા પહોંચી, ત્યારે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓ અને સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે આ વિસ્તારમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શાકભાજીના વિક્રેતાઓ રસ્તા પર ગેરકાયદેસર રીતે મોટું દબાણ કરે છે. જોકે, તંત્ર આ શાકભાજીના મોટા ગઠબંધન સામે કોઈ કડક પગલાં લેવાના બદલે માત્ર નાના વેપારીઓને જ નિશાન બનાવીને પક્ષપાતભરી કામગીરી કરી રહ્યું છે.

વિરોધ કરતા કર્મચારીઓ ઉશ્કેરાયા

તંત્રની આ અન્યાયી નીતિનો વેપારીઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું, ત્યારે મામલો વધુ બિચક્યો હતો. દબાણ શાખાના કર્મચારીઓએ શાંતિથી વાત સાંભળવાના બદલે ઉદ્ધત વર્તન કર્યું હતું અને જોતજોતામાં વેપારીઓ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. સરા જાહેર કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા વેપારી સાથે કરવામાં આવેલી આ ઝપાઝપીના દ્રશ્યો જોઈને આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને તંત્રની દાદાગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાને પગલે હાઈવે નજીકના વ્યસ્ત માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

મામલો ખોખરા પોલીસ સ્ટેશન પહોંચ્યો

ઘટનાની ગંભીરતાને જોતા ખોખરા પોલીસની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. આ હિંસક ઘર્ષણ બાદ સમગ્ર મામલો હવે ખોખરા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે, જ્યાં બંને પક્ષો દ્વારા પોતાની રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિક વેપારીઓએ દબાણ વિભાગના કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ખોખરા પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ અને ઘટનાના વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો