અમદાવાદના ગોતા વિસ્તારમાં વંદેમાતરમ રોડ પર પાર્ક વ્યૂ સાઇટ પાસે નિર્માણાધીન બાંધકામની અસુરક્ષિત કામગીરીના કારણે જમીનની ભેખડ ધસી પડવાની અને શાયોના તિલક-૩ ફ્લેટની દીવાલ ધરાશાયી થવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ મામલે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. AMC ના એસ્ટેટ ઓફિસર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે આ નિર્માણાધીન સાઇટ પર અગાઉ પણ કોઈપણ પ્રકારના સત્તાવાર પ્લાન પાસ વગર જ ખોદકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જે બાબતે અગાઉ તંત્ર દ્વારા કામગીરી અટકાવી દેવામાં આવી હોવાનો દાવો કરાયો છે.
માત્ર પ્રોટેક્શન વોલ અને લેવલ કરવાની જ છૂટ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને AMC તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. એસ્ટેટ અધિકારીએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિને જોતા અને આસપાસના મકાનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે માત્ર પ્રોટેક્શન વોલ બનાવવા અને આસપાસનું લેવલ સરખું કરવાની કામગીરી જ ચાલુ રાખવા દેવામાં આવશે. આ સિવાયના બાંધકામની અન્ય તમામ કામગીરી તાત્કાલિક ધોરણે સંપૂર્ણપણે બંધ કરાવી દેવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાઈ ન શકે.
