અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત સેનેટરી ઇન્સ્પેક્ટર ની ઓનલાઈન પરીક્ષા વખતે વહીવટી તંત્રની ગંભીર લાપરવાહી સામે આવી છે. પરીક્ષા આપવા માટે હજારોની સંખ્યામાં ઉમેદવારો કેન્દ્રો પર પહોંચ્યા હતા, પરંતુ પરીક્ષા શરૂ થયાના થોડા જ સમયમાં અચાનક તકનીકી ખામી સર્જાઈ હતી. ચાલુ પરીક્ષાએ જ કમ્પ્યુટરો બંધ થઈ જવાથી પરીક્ષા કેન્દ્ર પર ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ઉમેદવારો પેપર સોલ્વ કરી રહ્યા હતા તે ટાણે જ સિસ્ટમ ઠપ થઈ જવાથી યુવાનોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

છેલ્લા એક કલાકથી પરીક્ષા કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ

પ્રાપ્ત વિગતો મુજબ આ પરીક્ષાનું આયોજન સરખેજ વિસ્તારમાં આવેલી એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ (LJ Institute) ખાતે કરવામાં આવ્યું હતું. અહીં કેન્દ્ર પર ટેક્નિકલ સમસ્યા એટલી હદે વણસી હતી કે છેલ્લા એક કલાકથી વધુ સમયથી પરીક્ષાની કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. કમ્પ્યુટર સ્ક્રીન બ્લેક થઈ જવાના કારણે અથવા સર્વર ડાઉન થઈ જવાના કારણે ઉમેદવારો પોતાના પ્રશ્નોના જવાબ આગળ વધારી શક્યા નહોતા. કલાકો સુધી પોતાની સીટ પર બેસી રહેવા છતાં સિસ્ટમ ચાલુ ન થતાં પરીક્ષાર્થીઓની માનસિક સ્થિતિ કફોડી બની ગઈ હતી.

ઉમેદવારોમાં ભારે રોષ અને ઉગ્ર વિરોધ

આ ગંભીર મુશ્કેલી અંગે જ્યારે ઉમેદવારોએ ત્યાં હાજર સેન્ટર સંચાલકો અને નિરીક્ષકોને પૂછપરછ કરી ત્યારે તેઓ યોગ્ય જવાબ આપવાના બદલે ટાળી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સંચાલકો તરફથી કોઈ જ સંતોષકારક ખુલાસો ન મળતા ઉશ્કેરાયેલા ઉમેદવારોએ પરીક્ષા હોલ અને કંપાઉન્ડમાં ભારે હોબાળો મચાવ્યો હતો. ઉમેદવારોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તંત્રની નબળી વ્યવસ્થાના ભોગ હંમેશાં સામાન્ય પરીક્ષાર્થીઓ જ બને છે. આ ઘટનાને પગલે પરીક્ષા રદ કરીને ફરીથી નવેસરથી આયોજન કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

આ પણ વાંચો : Bharuchના અંકલેશ્વરમાં કરોડોની ચોરીથી ખળભળાટ, GIDCમાંથી 1.12 કરોડ રૂપિયાનો પિગમેન્ટ પાવડરનો જથ્થો રહસ્યમય રીતે ગાયબ