અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને ફૂડ વિભાગે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે લાલ આંખ કરી છે.મસાલામાં થતી ભેળસેળ ડામવા માટે ફૂડ વિભાગની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને શહેરમાંથી આશરે 2000 કિલો જેટલો શંકાસ્પદ મસાલાનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે.તંત્રની આ અચાનક થયેલી કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

મસાલાના આ શંકાસ્પદ નેટવર્કની કડી મળી

આ સમગ્ર કૌભાંડનો ખુલાસો એક અગાઉની તપાસના આધારે થયો છે.ફૂડ વિભાગ દ્વારા અગાઉ લેવામાં આવેલા ગ્રેવીના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં ફેઈલ સાબિત થયા હતા.આ ફેઈલ થયેલા સેમ્પલના મૂળ સુધી પહોંચવા માટે હાથ ધરાયેલી સઘન તપાસ દરમિયાન અધિકારીઓને મસાલાના આ શંકાસ્પદ નેટવર્કની કડી મળી હતી. જેના આધારે ફૂડ વિભાગે જય માતાજી ટ્રેડર્સ નામના ઉત્પાદન એકમ પર દરોડા પાડ્યા હતા.જ્યાં મોટા પાયે આ મસાલા તૈયાર કરવામાં આવી રહ્યા હતા.

2 મેટ્રિક ટન જેટલો મોટો જથ્થો સીઝ કર્યો

દરોડા દરમિયાન અધિકારીઓએ ઘટનાસ્થળેથી કેસરી નંદન સ્પાઇસીસ બ્રાન્ડ હેઠળ પેક કરાયેલો મરચું,હળદર, ધાણાજીરું અને ગરમ મસાલાનો આશરે 2 મેટ્રિક ટન જેટલો મોટો જથ્થો સીઝ કર્યો છે.ફૂડ વિભાગે કડક સૂચના આપી છે કે લેબોરેટરીનો ફાઈનલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ શંકાસ્પદ જથ્થો બજારમાં ક્યાંય પણ વેચી શકાશે નહીં.હાલમાં AMC દ્વારા આ તમામ મસાલાના નમૂનાઓ એકત્રિત કરીને કાયદેસરની લેબોરેટરી તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad RathYatra 2026 : હર્ષ સંઘવીનું નિવેદન, 30 હજાર જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળશે પ્રભુની નગરચર્યા