અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.શહેરમાં દોડતી AMTS અને BRTS બસોના કુલ 13 ડ્રાઈવરો સામે શિસ્તભંગ અને નિયમોના ઉલ્લંઘન બદલ કોર્પોરેશન દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરવા બદલ તંત્ર દ્વારા આ તમામ 13 ડ્રાઈવરોને તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ડ્રાઈવરોની ગંભીર બેદરકારીઓ જવાબદાર
સસ્પેન્ડ કરાયેલા ડ્રાઈવરો સામે નિયત બસ સ્ટોપ પર બસ ન ઊભી રાખવી,બસ અધવચ્ચે દોડાવવી તેમજ મુસાફરો સાથે અયોગ્ય અને તોછડું વર્તન કરવા અંગેની ગંભીર ફરિયાદો ઉઠી હતી.આ ઉપરાંત,શહેરીજનોના જીવના જોખમે બેદરકારીપૂર્વક બસ ચલાવવા અને અકસ્માત સર્જવા બદલ પણ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે અને ડ્રાઈવરો સામે આકરા પગલાં ભર્યા છે.આ કાર્યવાહી પાછળ ડ્રાઈવરોની ગંભીર બેદરકારીઓ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
