અમદાવાદમાં એક પણ ગલી એવી નહિ હોય કે જ્યાં રખડતા ઢોર અને કુતરાનો ત્રાસ ના હોય અનેક વિસ્તારમાં અનેક રજૂઆત તંત્રને કરવામાં આવે છે પણ સમસ્યાનું સમાધાન થતું નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 વર્ષમાં કુતરાઓને ખસીકરણ અને રસીકરણ માટે એક કૂતરા માટે 1650 નો ખર્ચ નક્કી કરાયો છે અને અને કુલ 3 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ અગાઉ ભાવ 1250 જેટલો હતો જેમાં 400નો વધારો કરી દેવામાં આવ્યો છે. ખસીકરણ અને રસીકરણની વાત કરીએ તો તેનો કોઈ ચોક્કસ આંકડો મહાનગર પાલિકા પાસે હોતો નથી કે કેટલા અને ક્યાં કૂતરાનું ખસીકરણ કરાયું કે તેનું રસીકરણ કરાયું તેનું કોઈ ઓડિટ કે હિસાબ પણ હોતો નથી.
શહેરમાં રખડતા ઢોર અને કુતરાનો ત્રાસ
વર્ષ 2020-21 દરમિયાન કોર્પોરેશનએ 1 કરોડ 91 લાખ 2600 રૂપિયાનો ખર્ચ કર્યો છે. તો વર્ષ 2021-22માં 2 કરોડ 77 લાખ 32 હજાર 730નો ખર્ચ કર્યો છે. તો જે વર્ષ 2022-23માં ખર્ચ બમણો થઇ 4 કરોડ 19 લાખ 92 હજાર 383 નો તોતિંગ ખર્ચ કર્યો છે. વર્ષ 2024 - 25 માં 3 કરોડ જેવો ખર્ચ કરાયો હતો અને ચાલુ વર્ષે પણ 3 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
કુતરાઓના ખસીકરણ માટે બજેટ
એક તરફ પાલતુ કૂતરાઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ મનપાની જવાબદારી છે રખડતા કુતરાઓને પકડવા પરંતુ તેને લઈને કોઈ નક્કર કામગીરી થતી નથી. તો છેલ્લા 5 વર્ષમાં AMC દ્વારા કુલ 14 કરોડ 88 લાખથી વધુનો ખર્ચ કર્યો તો કુતરા કરડવાની ઘટનામાં ઘટાડો થવાના બદલે તેમાં વધારો થયો હોવાના આરોપ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષમાં દરરોજ આશરે 300 જેટલા બનાવો કૂતરા કરડવાના બની રહ્યા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. શહેરમાં વર્ષે આશરે હજારોની સંખ્યામાં રખડતા કૂતરા લોકોને કરડે છે પરંતુ તેને લઈને કોઈ નક્કર કામગીરી થતી નથી. ઇમરાન ખેડા વાળા નાં એ પણ આરોપ છે કે વર્ષો થી શહેરમાં આજ સ્થિતિ છે. લોકોને કૂતરા કરડે ફરિયાદ કરે તો પકડવા માટે પણ કોઈ આવતું નથી. વર્ષે 50 થી 60 હજાર લોકોને કૂતરા કરડયા હોય અને વેક્સિન મનપા સંચાલિત હોસ્પિટલ માં લીધી હોય તેનો આંકડો છે.









