અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા 132 ફૂટ રિંગ રોડ પર સ્થિત શ્રી રૂદ્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પુત્રદા એકાદશીના પવિત્ર દિવસે ધાર્મિક ઉત્સાહનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. સમગ્ર પરિસરમાં હર હર મહાદેવના નાદ સાથે ભવ્ય શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં સ્થાનિક રહીશો અને દુર-દુરથી આવેલા હજારો શિવભક્તો ઉત્સાહભેર જોડાયા હતા.

વૈદિક મંત્રોચ્ચાર અને 400થી વધુ યજમાનો દ્વારા દૂધાભિષેક

મહાપૂજાના આ પવિત્ર અવસરે 400થી વધુ યજમાનો એકસાથે પૂજા અર્ચના માટે બિરાજમાન થયા હતા. વિદ્વાન ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી અને વેદિક મંત્રોચ્ચાર સાથે મહારુદ્રાભિષેક સહિત વિવિધ જળાભિષેક પૂજન સંપન્ન કરાવાયું હતું. તમામ યજમાનોએ સામૂહિક રીતે 'ૐ નમઃ શિવાય' ના મંત્રોચ્ચાર સાથે શિવલિંગ પર બીલીપત્ર, જળ અને દૂધનો અભિષેક કરીને શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

હજારો શિવભક્તોની હાજરી અને અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ

આ ધાર્મિક મહોત્સવનું આયોજન 'દદુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ' ના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમરાઈવાડીના નગરસેવક તેજેન્દ્ર ચૌહાણ તેમજ દદુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ હોદ્દેદારો અને સંયોજકો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. મહાપૂજાના દર્શનનો લાભ લેવા માટે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તાર શિવમય બની ગયો હતો.

Ahmedabad News: Grand Shivling Mahapooja in Amraiwadi Ahmedabad

પૂર્ણપણે નિઃશુલ્ક સેવા, આયોજકોની પ્રશંસનીય પહેલ

આ મહાપૂજાની સૌથી ખાસ અને સરાહનીય બાબત એ રહી કે, પૂજામાં બેસેલા 400થી વધુ યજમાનો પાસેથી કોઈ પણ પ્રકારનો આર્થિક કે પૂજા ચાર્જ લેવામાં આવ્યો નહોતો. ભૂદેવોએ મહારુદ્રાભિષેક સહિતની તમામ વૈદિક પૂજાવિધિ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરાવીને સમાજ સેવા અને ધર્મ પ્રચારનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


આ પણ વાંચો - Ahmedabad News : જેઠાણીના પ્રેમીએ દેરાણીને બદનામ કરવા બીભત્સ રીલ્સ સોશિયલ મીડિયા પર કર્યા વાયરલ