અમદાવાદ શહેરમાં જાહેર વાહનવ્યવહારની કરોડરજ્જુ ગણાતી AMTS અને BRTS બસોના ચાલકોની બેદરકારી અને બેફામ ડ્રાઈવિંગ હવે શહેરીજનોના જીવ માટે જોખમરૂપ બની રહી છે.છેલ્લા 24 કલાકમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં AMTS અને BRTS ચાલકોએ ૩ જુદા જુદા અકસ્માતો સર્જીને ભારે ભય અને રોષનો માહોલ સર્જ્યો છે. જ્યારે ત્રણ વર્ષમાં 41 વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.નહેરુબ્રિજ ચાર રસ્તા પાસે તો એક AMTS ચાલક દારૂના નશામાં ધૂત થઈને બસ ચલાવતો ઝડપાયો હતો.ગત 20 સપ્ટેમ્બરે સાંજે નહેરુબ્રિજ ચારરસ્તા પાસે AMTS બસ ચાલકે દારૂના નશામાં બેફામ બસ હંકારી એક શખ્સને ટક્કર મારી ઈજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે M ટ્રાફિક પોલીસે જાણ થતાં જ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. 

બસચાલકની અટકાયત કરી બસને ડિટેઈન કરી

પોલીસ તપાસમાં બસચાલક ભાનુપ્રસાદ બામણિયા એટલી હદે દારૂના નશામાં હતો કે તે સીધો ઊભો રહેવાની સ્થિતિમાં પણ ન હતો.ઈજાગ્રસ્તે ફરિયાદ કરવાની ના પાડી હોવા છતાં,પોલીસે જાતે ફરિયાદી બની બસચાલકની અટકાયત કરી બસને ડિટેઈન કરી છે.જ્યારે ગોમતીપુરની છોટાલાલની ચાલીમાં રહેતો અલીઅહેમદ ગત સગા સાથે ટૂ-વ્હીલર પર કાલુપુર બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો.બ્રિજ પર ટ્રાફિક હોવાથી તેઓ ઊભા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલી AMTS બસના ચાલકે તેમને તથા અન્ય વાહનોને જોરદાર અડફેટે લીધા હતા.જેમાં મહિલા સહિત અન્ય 8 લોકોને ઈજા થઈ હતી.આ મામલે E ટ્રાફિક પોલીસે બસ ચાલક માનસિંહ રાઠોડની પોલીસે અટકાયત કરી છે.

અકસમ્સાત ઝોન

દાણીલીમડામાં BRTS ચાલક બસ મૂકી ફરાર 

દાણીલીમડાના મોહમ્મદી મહોલ્લામાં રહેતો ફિરોજ ખાન ગત 20 સપ્ટેમ્બરે રાત્રે અલ્લાહનગર સોસાયટી સામેના BRTS કોરિડોરમાંથી પગપાળા રોડ ક્રોસ કરી રહ્યો હતો.આ સમયે પૂરઝડપે આવેલી BRTS બસના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી.અકસ્માતમાં ફિરોજ ખાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ચાલક બસ ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.ઈજાગ્રસ્તને 108 મારફતે સારવાર અર્થે એલ.જી.હોસ્પિટલ ખસેડાયો છે અને K ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

3 વર્ષમાં AMTS અને BRTSએ કુલ 460 અકસ્માતો સર્જ્યા

AMTS & BRTS કુલ અકસ્માતોની સંખ્યા દર વરસે વધી રહી છે.વર્ષ 2023-24માં આશરે 150થી 180 નાના-મોટા અકસ્માતો નોંધાયા હતા.જેમાં આશરે 12થી 15 લોકોએ જીવ ગુમાવ્યો હતો.વર્ષ 2024-25માં AMTS & BRTSના આશરે 130 થી 160 અકસ્માતો નોંધાયા હતા તેમાં આશરે 10થી 14 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે વર્ષ 2025-26માં કુલ અકસ્માતોની સંખ્યા આશરે 120થી 150ની હતી જેમાં 8 થી 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા.