અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત AMTS બસોના ચાલકોની અંધાધૂંધ અને બેફામ ડ્રાઇવિંગ શહેરીજનો માટે ફરી એકવાર જીવલેણ સાબિત થઈ રહી છે. શહેરના પશ્ચિમ વિસ્તાર એવા નારણપુરામાં પલ્લવ ચાર રસ્તા અને સહજાનંદ ચોક નજીક પુરઝડપે ધસી આવેલી AMTS બસે એક બાઈકચાલકને જોરદાર ટક્કર મારી કચડી નાખતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈકચાલક ઉછળીને બસના પાછળના તોતિંગ ટાયર નીચે આવી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં ફસાયેલા બાઈકચાલકને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ભયાનક અકસ્માત નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયો છે.

AMTS બસોના ચાલકોની અંધાધૂંધ અને બેફામ ડ્રાઇવિંગ 

હાટકેશ્વરથી ગોતા તરફ જઈ રહેલી રૂટ નંબર 160 ની AMTS બસ નારણપુરા પલ્લવ ચાર રસ્તાથી સહજાનંદ ચોક તરફ પસાર થઈ રહી હતી.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસ ચાલક ટ્રાફિક વચ્ચે પણ પૂરપાટ ઝડપે વાહન હંકારી રહ્યો હતો. ટ્રાફિક જંકશન નજીક આગળ જઈ રહેલા બાઈકચાલકને બસ ચાલકે અડફેટે લીધો હતો.અડફેટે આવતાં જ બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ચાલક બસના પાછળના વ્હીલ નીચે કચડાઈ જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે બસ ચાલકની બેદરકારી અને ઓવરસ્પીડના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

 બી ટ્રાફિક પોલીસે ડ્રાઈવરને અટકાયતમાં લીધો

અકસ્માત સર્જાતાં જ આસપાસના રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બાઈકચાલકને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે તાબડતોબ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. લોકોમાં AMTS ના બેફામ ડ્રાઈવરો સામે ભારે રોષ ફાટી નીકળ્યો હતો.બનાવની જાણ થતાં જ 'બી' ડિવિઝન ટ્રાફિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરાવી ટ્રાફિક હળવો કર્યો હતો તેમજ AMTS બસ ડ્રાઇવરની અટકાયત કરી તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે ડ્રાઈવર વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જવા અંગે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: Surat: સ્મીમેર હોસ્ટેલમાં મધરાતે ભારે દોડધામ; આપઘાતના વિચારો આવ્યા ને ભ્રમ સર્જાયો, તબીબોના કાઉન્સેલિંગથી જીવ બચ્યો!