છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે વરસાદ ખાબક્યો છે. ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ મહેર થઈ હતી. બીજી તરફ સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં શાસકો અને અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી હતી. જુલાઈમાં થયેલા વરસાદથી બોધ પાઠ નહીં લેતા ગઈકાલના વરસાદમાં પણ શહેર પાણીમાં ડૂબ્યું હતું.સવારથી જ વરસાદ શરૂ થતાં સ્કૂલ બસો પણ વરસાદી પાણીમાં ફસાઈ હતી.આ ઉપરાંત એએમટીએસની બસો પણ રસ્તા પર ભરાઈ ગયેલા પાણીમાં બંધ પડી ગઈ હતી. બસના ડ્રાઈવરોએ બંધ પડેલી બસ પાણીમાં જ ઉભી કરી દેતા મુસાફરો રોષે ભરાયા હતાં.ધારાસભ્યએ આ બાબતે સવાલ ઉઠાવતાં જ પદાધિકારીએ ખુલાસો કર્યો હતો.
AMTS ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે ભરાયેલા પાણીમાં AMTSની ઇલેક્ટ્રિક બસ થંભી જવાના મામલે પદાધિકારીઓ દ્વારા સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને AMC અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.જેના પગલે AMTS ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.ચેરમેને જણાવ્યું હતું કે મુસાફરોની સલામતીના ભાગરૂપે જ બસને થોભાવવામાં આવી હતી કારણ કે આગળ જતા પાણીનું સ્તર વધવાની શક્યતા હોઈ શકે તેમ હતી.આ મામલે કોઈપણ પ્રકારના પૂર્વ સંકલન વિના અચાનક બસ ઉભી રાખવા બદલ સંબંધિત બસ ઓપરેટર કંપનીને નોટિસ ફટકારવામાં આવશે અને સ્પષ્ટતા માગવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.
