અમદાવાદ સ્માર્ટ સિટીમાં ચોમાસાના સામાન્ય વરસાદે જ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની કામગીરીના ધજાગરા ઉડાવી દીધા છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ ગાર્ડનો અને લેક ફ્રન્ટમાં નાગરિકો માટે બનાવેલા વોક-વે જ હવે જોખમી સાબિત થઈ રહ્યા છે.
નાગરિકો માટે બનાવેલા વોક-વે જ હવે જોખમી
https://twitter.com/sandeshnews/status/2082710363762786720
વોક-વેનો મોટો હિસ્સો ધસી પડ્યો
પહેલો બનાવ આનંદનગર તળાવ ફ્રન્ટ ખાતે સામે આવ્યો છે, જ્યાં વરસાદી પાણીના ભરાવા અને નબળા સબ-બેઝના કારણે વોક-વેનો મોટો હિસ્સો અચાનક ધસી પડ્યો હતો. વોક-વેમાં મોટું ગાબડું પડી જતાં જો કોઈ મોર્નિંગ વોકર અંધારામાં કે ભૂલથી ત્યાંથી પસાર થાય તો તળાવમાં કે ઊંડા ભૂવામાં ખાબકે તેવી ભીતિ સેવાઈ રહી છે.
મકરબા ગાર્ડનમાં લાખોનું આયોજન પાણીમાં
આ જ રીતે મકરબા ગાર્ડન ખાતે પણ તંત્ર દ્વારા તાજેતરમાં જ લાખો રૂપિયાના ખર્ચે મોર્નિંગ વોકર્સ માટે સુવિધાયુક્ત 'સિન્થેટિક વોક-વે' બનાવવામાં આવ્યો હતો. જોકે, માત્ર એક જ વરસાદી ઝાપટામાં આ સિન્થેટિક ટ્રેકના પોપળા ઉખડી ગયા છે અને પેવર બ્લોક્સ છૂટા પડી ગયા છે. કામગીરીમાં વપરાયેલા મટીરિયલમાં ભારે કમિશનખોરી અને નબળી ગુણવત્તા હોવાનું ખુલ્લેઆમ દેખાઈ રહ્યું છે.
મોર્નિંગ વોકર્સની સુરક્ષા સામે સવાલ
દરરોજ સવારે અને સાંજે હજારો સિનિયર સિટીઝનો, મહિલાઓ અને બાળકો આ ગાર્ડન્સમાં વોકિંગ અને રમતગમત માટે આવતા હોય છે. તંત્રની આ બેદરકારીને કારણે વોકર્સ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.આ ઘટનાઓ બાદ સ્થાનિક રહીશો અને વોકર્સમાં તંત્ર સામે આક્રોશ વ્યાપી ગયો છે. નાગરિકો માંગ કરી રહ્યા છે કે માત્ર કાગળ પર વિકાસના દાવા કરવાને બદલે તંત્ર આ બિસ્માર વોક-વેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરાવે, યોગ્ય બેરિકેડિંગ કરે અને આવા લોટ-પાણી જેવા કામો કરનાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરીને તેમની સામે દંડનીય કાર્યવાહી કરે.
આ પણ વાંચો: Surat: ડિંડોલીમાં અંગત અદાવતમાં યુવકની હત્યા, પોલીસે 4 લોકો ગુનો નોંધી તપાસ હાથ ધરી