અમદાવાદમાં નશાના કારોબાર સામે લાલઆંખ કરીને ANTF (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) ની ટીમે એક મોટી સફળતા મેળવી છે. ANTFની ટીમે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને મેફેડ્રોન (MD) ડ્રગ્સના મોટા જથ્થા સાથે બે શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 408 ગ્રામ અને 770 મિલિગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજિત રૂ.12,26,331 થાય છે. એફએસએલ (FSL) ની પ્રાથમિક તપાસમાં પણ જપ્ત કરાયેલો કેમિકલ પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ જ હોવાનું સ્પષ્ટપણે સામે આવ્યું છે.

રાજસ્થાનના આરોપીઓ કારમાં લાવ્યા હતા જથ્થો

પકડાયેલા આરોપીઓની ઓળખ જીતેન્દ્ર શર્મા અને રોહિત આચાર્ય તરીકે થઈ છે, જેઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે. આ બંને આરોપીઓ રાજસ્થાનથી એક એર્ટિગા કાર મારફતે ડ્રગ્સનો આ જથ્થો ઘુસાડવા માટે અમદાવાદ આવ્યા હતા. પોલીસે ડ્રગ્સના જથ્થા ઉપરાંત ગુનામાં વપરાયેલી એર્ટિગા કાર અને બે મોબાઈલ ફોન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બંને પેડલરો મોટા કમિશનની લાલચે ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરવાની હેરફેરના આ ગેરકાયદેસર નેટવર્કમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા.

અમદાવાદના 'રમેશ' નામના શખ્સની શોધખોળ શરૂ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ડ્રગ્સ રેકેટનું સ્થાનિક કનેક્શન પણ સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી છે કે આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદના જ રમેશ નામના વ્યક્તિને ડિલિવરી કરવાનો હતો. આ ખુલાસા બાદ પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં ANTFની ટીમ આ રેકેટના મુખ્ય સૂત્રધાર એવા ફરાર આરોપી રમેશની શોધખોળ કરી રહી છે અને ડ્રગ્સના આ આખા આંતરરાજ્ય નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ ચલાવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો